બાવળા તાલુકામાં યોજાયેલી પ્રાકૃતિક ખેતીની તાલીમમાં, ખેતી અને પશુપાલનને બચાવવા દેશી ગાય આધારિત ખેતી અપનાવવા આહવાન
- દેવડથલ અને નાના રાજવાળામાં ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની તાલીમ સાથે કિટ વિતરણ અમદાવાદ,20 જુલાઇ (હિ.સ.) અમદાવાદ જિલ્લાના બાવળા તાલુકામાં ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલ કંપની લિમિટેડ અને ધરતી ચેરીટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે પ્રાકૃતિક ખેતી અંગે ખેડૂત
natural farming training held in Bavla taluka.


- દેવડથલ અને નાના રાજવાળામાં ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની તાલીમ સાથે કિટ વિતરણ

અમદાવાદ,20 જુલાઇ (હિ.સ.) અમદાવાદ જિલ્લાના બાવળા તાલુકામાં ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલ કંપની લિમિટેડ અને ધરતી ચેરીટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે પ્રાકૃતિક ખેતી અંગે ખેડૂત તાલીમ શિબિરનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમ અંતર્ગત દેવડથલ (નવાપુરા) ગામમાં અને નાના રાજવાળા ગામમાં ખેડૂતો માટે તાલીમ વર્ગો યોજાયા હતા.

આ પ્રસંગે પ્રાકૃતિક ઉત્થાન ફાર્મર પ્રોડ્યુસર કંપની લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર કાશીરામ વાઘેલા તથા ધરતી ચેરિટેબલ ટ્રસ્ટના કાર્યકર ભાવિક મિસ્ત્રી ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમ દરમિયાન કાશીરામ વાઘેલાએ પોતાના પ્રાકૃતિક ખેતીના બહોળા અનુભવો રજૂ કરી ખેતીમાં ગાયના મહત્વ વિશે વિસ્તૃત માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, ભારત ખેતીપ્રધાન દેશ છે અને પશુપાલન

એ આપણો મુખ્ય પૂરક વ્યવસાય છે.

પરંતુ હાલના સમયે મજૂરોની અછતને કારણે ખેડૂતો નિંદામણનાશક અને ભયંકર રાસાયણિક દવાઓનો ઉપયોગ કરવા લાગ્યા છે. શેઢા-પાળા પર ઉપયોગમાં લેવાતા આવા રસાયણોને લીધે

ઘાસચારાની તંગી સર્જાઈ છે, જેના પરિણામે ખેતમજૂરો પશુપાલન છોડીને ફેક્ટરીઓમાં રોજગારી મેળવવા તરફ વળ્યા છે.

આમ, ખેતપદ્ધતિમાં રસાયણોના અતિશય વપરાશથી ઉત્પાદન ખર્ચ વધી રહ્યો છે અને ખેડૂતોની આવક નહિવત થઈ રહી છે.

ડાંગરના વાવેતર અંગે મહત્વનું માર્ગદર્શન આપતાં કાશરામભાઈએ ઉમેર્યું કે, મોટાભાગના ખેડૂતો માત્ર ‘ગુર્જરી ડાંગર’નું જ વાવેતર કરતા હોવાથી પુરવઠો વધી જાય છે અને યોગ્ય ભાવ મળતા નથી. તેથી ખેડૂતોએ જોખમ ઘટાડવા અલગ-અલગ જાતોનું વાવેતર કરવું જોઈએ. દેશી ગાયના મહત્વ વિશે પણ તેમને સમજણ આપી હતી.

ખેડૂતોના આર્થિક અને શારીરિક સ્વાસ્થ્ય સુધારવાના હેતુથી તેમણે પોતાના ઘરઆંગણે, વાડામાં કે શેઢા-પાળે, કિચન ગાર્ડન બનાવી પ્રાકૃતિક શાકભાજી ઉગાડવા અપીલ કરી હતી. કાર્યક્રમના અંતે ઉપસ્થિત તમામ ખેડૂતોને ચોમાસામાં થતા વિવિધ શાકભાજીના બિયારણની કિટ્સનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું અને ખેડૂતોના ખેતી વિષયક પ્રશ્નોના સંતોષકારક જવાબો આપી તાલીમ શિબિર સંપન્ન થઈ હતી.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande