
સુરત, 20 જુલાઈ (હિ.સ.): સુરત શહેરમાં એક પરિવારને ઝંઝોળી નાખે તેવી ઘટના સામે આવી છે. નાનપુરા વિસ્તારમાં રહેતી પરિણીતા પોતાના બે સંતાનો અને પતિને છોડીને કૌટુંબિક ભત્રીજા સાથે ઘરેથી નીકળી ગઈ હોવાનો આરોપ છે. પીડિત પતિએ જણાવ્યું કે તેમના પ્રેમલગ્નને 12 વર્ષ થયા છે અને શરૂઆતના વર્ષોમાં પરિવાર સુખી હતો, પરંતુ છેલ્લા બે વર્ષથી ભત્રીજાની નજીકતાના કારણે દાંપત્ય જીવનમાં વિખવાદ શરૂ થયો હતો.
પતિના જણાવ્યા મુજબ, પત્ની અને ભત્રીજા વચ્ચેના સંબંધોની જાણ થયા બાદ તેમણે પરિવાર અને બાળકોનું ભવિષ્ય ધ્યાનમાં રાખીને પત્નીને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. તેમ છતાં, આરોપ છે કે મહિલા ઘરમાંથી રોકડ રકમ અને દીકરીના સોનાના દાગીના લઈને ભત્રીજા સાથે ચાલી ગઈ. પીડિતે આ સમગ્ર ઘટનામાં કેટલાક અન્ય સંબંધીઓની પણ સંડોવણી હોવાનો આક્ષેપ કર્યો છે.
આ ઘટનાના થોડા દિવસ બાદ પીડિતના પિતાનું અવસાન થતાં પરિવાર પર વધુ એક આઘાત આવ્યો હતો. પતિનું કહેવું છે કે પત્નીના જવાથી તેઓ માનસિક રીતે તૂટી ગયા છે અને બે નાના બાળકોની જવાબદારી એકલા હાથે સંભાળવી મુશ્કેલ બની છે. તેમણે પોલીસમાં ફરિયાદ નોંધાવી હોવા છતાં યોગ્ય કાર્યવાહી ન થઈ હોવાનો પણ આરોપ મૂક્યો છે.
દ્રષ્ટિની ગંભીર તકલીફ અને ઓછી આવક વચ્ચે જીવન જીવતા પીડિતે રાજ્યના ગૃહરાજ્ય મંત્રી અને પોલીસ અધિકારીઓ સમક્ષ ન્યાયની માંગ કરી છે. સાથે જ તેમણે જણાવ્યું કે જો પત્ની પોતાના બાળકો માટે પરત આવવા તૈયાર હોય તો તેઓ તેને સ્વીકારવા તૈયાર છે, પરંતુ સમગ્ર મામલે જવાબદાર લોકો સામે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ તેવી તેમની માંગ છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે