
- 4 દેશી પિસ્ટલ, 1 રિવોલ્વર અને 40 જીવતા કારતૂસ જપ્ત
નડિયાદ/અમદાવાદ,20 જુલાઇ (હિ.સ.) : ખેડા જિલ્લાની સેવાલિયા પોલીસે અમદાવાદ-ઇન્દોર હાઇવે પર આવેલી મહરાજના મુવાડા નવી પોલીસ ચેકપોસ્ટ પરથી ગેરકાયદેસર હથિયારોનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. વાહન ચેકિંગ દરમિયાન એક સફેદ કલરની સ્વીફ્ટ પોલીસે 4 દેશી પિસ્તોલ, 1 રિવોલ્વર અને 40 જીવતા કારતૂસ જપ્ત કર્યા છે. આ હથિયારોની હેરાફેરીના આરોપસર પોલીસે ત્રણ શખ્સોની ધરપકડ કરી છે. પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે કે આ હથિયારો મધ્યપ્રદેશથી લાવીને ભાવનગર પહોંચાડવાના હતા.
ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકા હેઠળના અમદાવાદ ઇન્દોર હાઇવે રોડ પર આવેલ મહરાજના મુવાડા નવી પોલીસ ચેક પોસ્ટ પાસેથી સેવાલીયા પોલીસે બાતમીના આધારે વોચ ગોઠવીને ગેરકાયદેસર હથિયારોની હેરાફેરી કરતા ત્રણ શખ્સોને ઝડપી પાડ્યા છે.
પોલીસની પ્રાથમિક તપાસમાં આ હથિયારો મધ્યપ્રદેશના એક શખ્સ પાસેથી મેળવીને ભાવનગરના નામીચા શખ્સને પહોંચાડવાના હોવાની વિગતો પ્રકાશમાં આવી છે. પોલીસે પકડાયેલા શખ્સો પાસેથી 4 દેશી પિસ્ટલ, 1 રિવોલ્વર, 2 મેગેઝીન, 40 નંગ જીવતા કારતૂસ, 3 મોબાઇલ ફોન અને સ્વીફ્ટ ગાડી મળીને કુલ 6,60,000 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, પકડાયેલા આરોપીઓના નામ આશિષકુમાર પાટડીયા, શશાંકસિંહ રાજપુત અને પ્રવિણ વાળા છે. આ આરોપીઓ મધ્યપ્રદેશના છોટુભાઈ નામના શખ્સ પાસેથી હથિયારો ખરીદીને ગાડીની સીટ નીચે છુપાવીને ભાવનગરના સિકંદર ઉર્ફે સિક્કોને આપવા જઈ રહ્યા હતા.
પોલીસે હથિયારો, કારતૂસ, 3 મોબાઈલ અને ગાડી સહિત કુલ રૂ. 6,60,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પકડાયેલા આરોપીઓ શશાંક અને પ્રવિણ સામે અગાઉ પણ લૂંટ, મારામારી અને પોક્સો જેવા ગંભીર ગુનાઓ નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે.
આ હથિયારો મંગાવનાર ભાવનગરનો મુખ્ય આરોપી સિકંદર ઉર્ફે સિક્કો અગાઉ મર્ડર અને રાયોટિંગના ગુનામાં સંડોવાયેલો છે. આરોપીઓના ગુનાહિત ઇતિહાસને લઈ હાલ પોલીસે ત્રણેય આરોપીઓની ધરપકડ કરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે અને હથિયાર આપનાર મધ્યપ્રદેશના છોટુભાઈ તથા મંગાવનાર ભાવનગરના સિકંદરને પકડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે. ત્યાર બાદ અનેક ખુલાસા થઈ શકે છે.
સેવાલીયા પોલીસ સ્ટેશનના કર્મચારીઓ મહરાજના મુવાડા ખાતે આવેલી નવી પોલીસ ચેક પોસ્ટ પર ફરજ પર હાજર હતા તે દરમિયાન પોલીસ અધિકારીને ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે, ગોધરા તરફથી અમદાવાદ તરફ જઈ રહેલી એક સફેદ કલરની મારુતિ સુઝુકી સ્વીફ્ટ ગાડી નંબર GJ 03 PR 5063 માં ત્રણ શખ્સો ગેરકાયદેસર હથિયારો લઈને પસાર થવાના છે. આ બાતમીના આધારે પોલીસે તાત્કાલિક સ્થાનિક પંચોના માણસોને બોલાવીને ચેક પોસ્ટ પર ગોધરા તરફથી આવતા તમામ વાહનોનું સઘન ચેકિંગ શરૂ કર્યું હતું.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ