જેસરના તાતણીયા ગામે આત્મા પ્રોજેક્ટ દ્વારા પ્રાકૃતિક કૃષિ વિષયક કિસાન ગોષ્ઠિ યોજાઈ
ભાવનગર, 21 જુલાઈ (હિ.સ.) ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના તાતણીયા ગામ ખાતે આત્મા પ્રોજેક્ટ, ભાવનગર દ્વારા પ્રાકૃતિક કૃષિના પ્રચાર-પ્રસાર અને ખેડૂતોમાં જાગૃતિ લાવવાના હેતુથી કિસાન ગોષ્ઠિનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં
કિસાન ગોસ્ટી કાર્યકર્મ યોજાયો


ભાવનગર, 21 જુલાઈ (હિ.સ.) ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના તાતણીયા ગામ ખાતે આત્મા પ્રોજેક્ટ, ભાવનગર દ્વારા પ્રાકૃતિક કૃષિના પ્રચાર-પ્રસાર અને ખેડૂતોમાં જાગૃતિ લાવવાના હેતુથી કિસાન ગોષ્ઠિનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા અને પ્રાકૃતિક ખેતી અંગે ઉપયોગી માર્ગદર્શન મેળવ્યું હતું.

ગોષ્ઠિ દરમિયાન આત્મા પ્રોજેક્ટના અધિકારી અજીતસિંહ ગોહિલે પ્રાકૃતિક કૃષિના મૂળભૂત સિદ્ધાંતો, જમીનની ફળદ્રુપતા જાળવવાના ઉપાયો, કૃષિ ઉત્પાદનોમાં મૂલ્યવર્ધન તેમજ ઉત્પાદનના અસરકારક માર્કેટિંગ અંગે વિસ્તૃત માહિતી આપી હતી. તેમણે ખેડૂતોને રાસાયણિક ખેતીમાંથી ધીમે ધીમે પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધવા અપીલ કરી હતી.

ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડના તાલુકા પ્રોજેક્ટ મેનેજર વિજય બંધિયાએ પ્રાકૃતિક ખેતીની વિવિધ પદ્ધતિઓ, જીવામૃત, ઘનજીવામૃત અને અન્ય દેશી ઉપાયોના ઉપયોગ તેમજ ઓછા ખર્ચે વધુ ગુણવત્તાયુક્ત ઉત્પાદન મેળવવાના માર્ગો સમજાવ્યા હતા.

ગ્રામ સેવક ભાવસિંહ ઝાલાએ ખેડૂતોને કૃષિ અને બાગાયતી ક્ષેત્રની વિવિધ સરકારી યોજનાઓ, સહાય અને તાલીમ કાર્યક્રમોની માહિતી આપી હતી. જ્યારે પ્રાકૃતિક ખેતી અપનાવી સફળતા મેળવનાર પ્રગતિશીલ ખેડૂત રમેશ રાદડિયાએ પોતાના અનુભવો શેર કરીને ખેડૂતોને પ્રેરિત કર્યા હતા.

કાર્યક્રમના અંતે પ્રશ્નોત્તરી સત્ર યોજાયું હતું, જેમાં ખેડૂતોના પ્રશ્નોના નિષ્ણાતો દ્વારા સંતોષકારક જવાબ આપવામાં આવ્યા હતા. આ પ્રસંગે તાલુકા પંચાયતના સભ્ય, ગામના સરપંચ, ઉપસરપંચ, કૃષિ સખી, સી.આઈ.પી. સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ગોષ્ઠિના આયોજનથી ખેડૂતોમાં પ્રાકૃતિક કૃષિ પ્રત્યે વધુ જાગૃતિ અને રસ જોવા મળ્યો હતો.

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande