
ભાવનગર,21 જુલાઈ (હિ.સ.) ભાવનગર મહાનગરપાલિકા દ્વારા સફાઈથી બીમારી ભગાવો અભિયાન અંતર્ગત શહેરના સરકારી હેલ્થ સેન્ટર ખાતે સફાઈની કામગીરી સાથે સંકળાયેલા સફાઈ કામદારો માટે આરોગ્યલક્ષી ચકાસણી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પનો મુખ્ય હેતુ સફાઈ કર્મચારીઓના આરોગ્યની નિયમિત તપાસ કરી તેઓને વિવિધ રોગોથી સુરક્ષિત રાખવાનો અને આરોગ્ય પ્રત્યે જાગૃત કરવાનો હતો.
કેમ્પ દરમિયાન તબીબોની ટીમ દ્વારા સફાઈ કામદારોનું બ્લડ પ્રેશર, બ્લડ શુગર, હિમોગ્લોબિન સહિતની વિવિધ આરોગ્ય તપાસ કરવામાં આવી હતી. જરૂરિયાત મુજબ કર્મચારીઓને તબીબી સલાહ આપવામાં આવી તેમજ જરૂરી દવાઓનું પણ વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું. સાથે જ વ્યક્તિગત સ્વચ્છતા જાળવવા, સુરક્ષા સાધનોનો નિયમિત ઉપયોગ કરવા અને મોસમી રોગોથી બચવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
ભાવનગર મહાનગરપાલિકા દ્વારા શહેરને સ્વચ્છ અને આરોગ્યપ્રદ બનાવવાના હેતુથી વિવિધ સ્વચ્છતા અભિયાનો સતત ચલાવવામાં આવી રહ્યા છે. શહેરની સ્વચ્છતા જાળવવામાં સફાઈ કામદારોનું મહત્વપૂર્ણ યોગદાન હોવાથી તેમના આરોગ્યની કાળજી રાખવી પણ એટલી જ જરૂરી છે. આ પ્રકારના આરોગ્ય ચકાસણી કેમ્પો દ્વારા સફાઈ કર્મચારીઓને સમયસર નિદાન અને સારવારની સુવિધા ઉપલબ્ધ બની રહે છે.
મહાનગરપાલિકાના અધિકારીઓએ જણાવ્યું હતું કે, ભવિષ્યમાં પણ આવા આરોગ્યલક્ષી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે જેથી સફાઈ કર્મચારીઓ સ્વસ્થ રહી વધુ ઉત્સાહ અને સુરક્ષિત રીતે પોતાની ફરજ નિભાવી શકે. આ પહેલ દ્વારા સફાઈ કર્મચારીઓના આરોગ્ય કલ્યાણ સાથે શહેરમાં સ્વચ્છતા અને જન આરોગ્યને વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA