અખિલ ભારતીય ચારણ (ગઢવી) મહાસભાના ભાવનગર પ્રમુખ તરીકે ઈશ કાગની નિમણૂક
ભાવનગર, 21 જુલાઈ (હિ.સ.) દેશભરના ચારણ સમાજમાં એકતા, સંગઠન અને સર્વાંગી વિકાસના હેતુથી કાર્યરત અખિલ ભારતીય ચારણ (ગઢવી) મહાસભાએ ભાવનગર જિલ્લાના પ્રમુખ તરીકે યુવા સમાજસેવી ઈશ કાગની નિમણૂક કરી છે. આ નિમણૂક મહાસભાના રાષ્ટ્રીય અધ્યક્ષ સી.ડી. દેવલ તથ
ઈશ કાગ


ભાવનગર, 21 જુલાઈ (હિ.સ.) દેશભરના ચારણ સમાજમાં એકતા, સંગઠન અને સર્વાંગી વિકાસના હેતુથી કાર્યરત અખિલ ભારતીય ચારણ (ગઢવી) મહાસભાએ ભાવનગર જિલ્લાના પ્રમુખ તરીકે યુવા સમાજસેવી ઈશ કાગની નિમણૂક કરી છે. આ નિમણૂક મહાસભાના રાષ્ટ્રીય અધ્યક્ષ સી.ડી. દેવલ તથા ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ઘનશ્યામસિંહ મોડના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી છે.

ઈશ કાગ પ્રખ્યાત લોકકવિ, પદ્મશ્રી ભક્તકવિ દુલા ભાયા કાગના પ્રપૌત્ર છે. તેઓ પોતાના પરિવારની લોકસેવા, સાહિત્ય અને સમાજજાગૃતિની ગૌરવશાળી પરંપરાને આગળ ધપાવતા વિવિધ સામાજિક, શૈક્ષણિક અને સાંસ્કૃતિક ક્ષેત્રોમાં સક્રિય ભૂમિકા ભજવી રહ્યા છે. ચારણી સાહિત્યના જતન, સાંસ્કૃતિક વારસાના સંવર્ધન તેમજ યુવાનોને સમાજસેવા સાથે જોડવાના પ્રયાસોમાં પણ તેઓ સતત કાર્યરત રહ્યા છે.

અખિલ ભારતીય ચારણ (ગઢવી) મહાસભા શિક્ષણના પ્રસાર, યુવા સશક્તિકરણ, સમાજમાં એકતા, સાંસ્કૃતિક મૂલ્યોના સંરક્ષણ અને સામાજિક ઉત્થાન માટે દેશવ્યાપી સ્તરે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરતી સંસ્થા છે. ઈશ કાગની ભાવનગર પ્રમુખ તરીકેની નિમણૂકથી જિલ્લામાં મહાસભાની પ્રવૃત્તિઓને નવી દિશા અને વધુ વેગ મળશે તેવી સમાજના આગેવાનો દ્વારા આશા વ્યક્ત કરવામાં આવી છે.

નિમણૂક બાદ ઈશ કાગે સમાજના વડીલો અને મહાસભાના હોદ્દેદારોનો આભાર વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, તેઓ સમાજના યુવાનોને સંગઠિત કરવા, શિક્ષણ અને સંસ્કૃતિના ક્ષેત્રે વધુ કાર્ય કરવા તેમજ ચારણ સમાજના હિતમાં મહાસભાના ઉદ્દેશ્યોને સાકાર કરવા માટે સંપૂર્ણ સમર્પણ સાથે કાર્ય કરશે.

ઈશ કાગની આ નિમણૂકને પગલે ચારણ સમાજના આગેવાનો, શુભેચ્છકો અને મિત્રવર્તુળમાં આનંદની લાગણી જોવા મળી હતી અને સૌએ તેમને શુભેચ્છાઓ પાઠવી તેમના સફળ કાર્યકાળ માટે શુભકામનાઓ વ્યક્ત કરી હતી.

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande