
અમદાવાદ,21 જુલાઇ (હિ.સ.) આજકાલ અમદાવાદમાં ઓનલાઈન ફૂડ ઓર્ડર કરતા ગ્રાહકો વધી ગયા છે ત્યારે તેમની માટે આંખ ઉઘાડનારો કિસ્સો સામે આવ્યો છે. નરોડા વિસ્તારમાં હંસપુરા પાસે આવેલી મેકડોનાલ્ડ્સ રેસ્ટોરન્ટ દ્વારા ઓનલાઈન વેજ બર્ગરનો ઓર્ડર આપનાર યુવકને નોનવેજ બર્ગર મોકલી આપવામાં આવ્યું હતું.
આ ગંભીર બેદરકારી સામે યુવકે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગમાં ફરિયાદ નોંધાવતા, અધિકારીઓએ તાત્કાલિક સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરીને રાતોરાત મેકડોનાલ્ડ્સ રેસ્ટોરન્ટને સીલ કરી દીધું છે.
બનાવની વિગતો મુજબ, 20 જુલાઈની રાતે નરોડાના હંસપુરા પાસે આવેલી મેકડોનાલ્ડ્સ રેસ્ટોરન્ટમાંથી એક યુવકે ઓનલાઈન માધ્યમથી વેજ સ્પાઈસી પનીર બર્ગર, ચીઝ બર્ગર અને કોકાકોલાનો ઓર્ડર આપ્યો હતો. ઓર્ડર ડિલિવર થયા બાદ યુવકે જ્યારે પેકિંગ ખોલીને જોયું તો તેમાં વેજ બર્ગરના બદલે સ્પાઈસી ચિકન બર્ગર હતું.
ઓનલાઇન ઓર્ડર વેજ બર્ગરનો કર્યો હોવા છતાં પણ નોનવેજ બર્ગર રેસ્ટોરન્ટ તરફથી મોકલવામાં આવતા યુવક તાત્કાલિક રેસ્ટોરન્ટ પર ગયો હતો અને તેણે રજૂઆત કરી હતી. ઓનલાઇન પૈસા ચૂકવી દીધા બાદ રેસ્ટોરન્ટ તરફથી નોનવેજ બર્ગર મોકલી આપવામાં આવતા યુવકે આ મામલે મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગમાં ફરિયાદ કરતા ટીમ રેસ્ટોરન્ટમાં પહોંચી હતી. રેસ્ટોરન્ટમાં તપાસ કરીને મેકડોનાલ્ડ્સ રેસ્ટોરન્ટને સીલ કરવામાં આવી હતી.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ