
ભાવનગર, 21 જુલાઈ (હિ.સ.) આજના સમયમાં મહિલાઓ માત્ર ઘરકામ પૂરતી સીમિત રહી નથી, પરંતુ પોતાના કૌશલ્ય અને મહેનતના બળે આત્મનિર્ભર બની પરિવારની આર્થિક સ્થિતિ મજબૂત બનાવી રહી છે. ભાવનગર જિલ્લામાં કાર્યરત સખી મંડળો મહિલાઓને સ્વરોજગાર તરફ પ્રેરિત કરી રહ્યા છે, જેના પરિણામે અનેક મહિલાઓ સફળ ઉદ્યોગસાહસિક તરીકે ઉભરી રહી છે.
મહુવા તાલુકાના માળવાવ ગામના વિલાસ ઢાપા તેની પ્રેરણાદાયક મિસાલ છે. અગાઉ તેઓ છૂટક મજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા. લગભગ છથી સાત વર્ષ પહેલા સખી મંડળ સાથે જોડાયા બાદ તેમણે માત્ર 10 હજાર રૂપિયાની લોન લઈને હસ્તકલાનો વ્યવસાય શરૂ કર્યો. ભરતગૂંથણ, મોતીકામ અને અન્ય હસ્તકલાની વસ્તુઓ બનાવી વેચાણ શરૂ કર્યું. સારો પ્રતિસાદ મળતાં તેમણે લોનની સમયસર ભરપાઈ કરી અને ત્યારબાદ 50 હજાર રૂપિયાની લોન લઈને વ્યવસાયનો વિસ્તાર કર્યો.
આજે વિલાસબેન મોતીના આકર્ષક તોરણ, ઝુમ્મર, ભરતગૂંથણની ડિઝાઇનવાળી કૃતિઓ, નાના-મોટા ઝૂલાઓ સહિત વિવિધ શણગાર સામગ્રી તૈયાર કરે છે. તેમના ઉત્પાદનોની કિંમત 500 રૂપિયાથી લઈને 7,000 રૂપિયા સુધી હોય છે અને તેમની કળાને ગ્રાહકો તરફથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે.
વિલાસબેન જણાવે છે કે અગાઉ રોજ મજૂરી માટે બહાર જવું પડતું હતું, જ્યારે હવે ઘરેથી જ વ્યવસાય કરીને દર મહિને 15 હજાર રૂપિયાથી વધુનું વેચાણ કરે છે. આ વ્યવસાયે તેમને આત્મનિર્ભર બનાવ્યા છે અને પરિવારની આવકમાં પણ નોંધપાત્ર વધારો કર્યો છે. તેમની સફળતા અન્ય મહિલાઓ માટે પણ પ્રેરણારૂપ બની છે અને સખી મંડળની અસરકારક કામગીરીનું ઉત્તમ ઉદાહરણ છે.
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA