રિક્ષામાં મુસાફરને વાતોમાં ભટકાવી ₹25 હજારની ચોરી, ઈચ્છાપોર પોલીસે ચારને ઝડપી પાડ્યા
સુરત, 11 ઓગસ્ટ (હિ.સ.) સુરતના ઈચ્છાપોર વિસ્તારમાં રિક્ષામાં મુસાફરોને નિશાન બનાવી ખિસ્સામાંથી રોકડ ચોરી કરતી ગેંગનો પોલીસે પર્દાફાશ કર્યો છે. પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે કવાસ પાટિયા પાસેથી ચાર શખ્સોને રિક્ષા સાથે ઝડપી લેવામાં આવ્યા હતા.
Surat


સુરત, 11 ઓગસ્ટ (હિ.સ.) સુરતના ઈચ્છાપોર વિસ્તારમાં રિક્ષામાં મુસાફરોને નિશાન બનાવી ખિસ્સામાંથી રોકડ ચોરી કરતી ગેંગનો પોલીસે પર્દાફાશ કર્યો છે. પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે કવાસ પાટિયા પાસેથી ચાર શખ્સોને રિક્ષા સાથે ઝડપી લેવામાં આવ્યા હતા. તેમની પાસેથી ચોરીની ₹25 હજારની રોકડ અને ગુનામાં ઉપયોગમાં લેવાયેલી રિક્ષા સહિત કુલ ₹95 હજારનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.

પોલીસ ફરિયાદ મુજબ, 8 ઓગસ્ટના રોજ એક મુસાફર ONGC સર્કલ પાસેથી રિક્ષામાં બેઠા હતા. રિક્ષામાં પહેલેથી સવાર આરોપીઓએ મુસાફરને વાતોમાં વ્યસ્ત રાખી એકબીજાની મદદથી તેમનું ધ્યાન ભટકાવ્યું હતું. મુસાફરને આગળ-પાછળ સરખી રીતે બેસવાનું કહી તકનો લાભ લઈ તેના ખિસ્સામાંથી ₹25 હજાર કાઢી લીધા હતા. બાદમાં આરોપીઓએ મુસાફરને રસ્તામાં ઉતારી રિક્ષા લઈને ફરાર થઈ ગયા હતા. ફરિયાદના આધારે ઈચ્છાપોર પોલીસે BNSની કલમ 303(2) અને 54 હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.

તપાસ દરમિયાન પોલીસે મોહમદ ઇરફાન શેખ, સફિયોદ્દીન ઉર્ફે છોટુ શેખ, ઇરફાન ઉર્ફે ઇપો શેખ અને સદ્દામ જમશેર શેખને ઝડપી પાડ્યા છે. આરોપીઓ રાંદેર અને સલાબતપુરા વિસ્તારના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. પોલીસે તમામની અટકાયત કરી તેમની સામે અગાઉ પણ આ પ્રકારના ગુના નોંધાયેલા છે કે કેમ તેમજ ગેંગ દ્વારા અન્ય મુસાફરોને નિશાન બનાવવામાં આવ્યા છે કે નહીં તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande