
પાટણ, 11 ઓગસ્ટ (હિ.સ.) : સિદ્ધપુર ડોકરા રનિંગ ક્લબના 50 દોડવીરોએ 8મી દાદી પ્રકાશમણી આબુ હાફ મેરેથોનમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. બ્રહ્માકુમારી સંસ્થા દ્વારા આબુરોડથી માઉન્ટ આબુ સુધીના 21 કિમીના કઠિન હિલ રૂટ પર યોજાયેલી આ મેરેથોનમાં ક્લબના 30 રનર્સે શાનદાર પ્રદર્શન કરી મેડલ મેળવ્યા હતા.
આ આંતરરાષ્ટ્રીય હાફ મેરેથોનમાં ગુજરાત સહિત દેશના વિવિધ શહેરો અને વિદેશથી આવેલા રનર્સે ભાગ લીધો હતો. તેમની વચ્ચે સિદ્ધપુરના દોડવીરોએ પણ પોતાની કાબેલિયત સાબિત કરી સફળતાપૂર્વક હિલ રન પૂર્ણ કરી શહેરનું ગૌરવ વધાર્યું હતું. મેરેથોનનો મુખ્ય ઉદ્દેશ એકતા, અખંડિતતા, નશામુક્ત ભારત અને વિશ્વ ભાઈચારાનો સંદેશ ફેલાવવાનો હતો.
ડોકરા રનિંગ ક્લબના કરણ બ્રહ્મભટ્ટ, હેડકોચ કમલ મોદી અને કોચ નરેન્દ્રસિંહ રાજપૂતે તમામ મેડલ વિજેતા રનર્સને અભિનંદન પાઠવ્યા હતા. સિદ્ધપુરના રનર્સની આ સફળતાથી શહેરની સ્પોર્ટ્સ અને રનિંગ ક્ષેત્રે વધતી ઓળખ વધુ મજબૂત બની છે. આગામી સમયમાં પણ સિદ્ધપુરનું નામ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ગુંજતું રહે તેવી શુભેચ્છા પાઠવવામાં આવી હતી.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ