PNB Oneના નામે APK મોકલી 31 હજારથી વધુ મોબાઈલ હેક, ₹125 કરોડના સાયબર ફ્રોડનો પર્દાફાશ
સુરત, 11 ઓગસ્ટ (હિ.સ.): સુરત સાયબર ક્રાઈમ પોલીસે દેશભરમાં મોબાઈલ હેક કરીને કરોડો રૂપિયાની છેતરપિંડી કરતી ગેંગનો પર્દાફાશ કર્યો છે. PNB Oneના નામે બનાવટી APK ફાઈલ તૈયાર કરી WhatsApp અને અન્ય માધ્યમોથી લોકોને મોકલવામાં આવતી હતી. ફાઈલ ડાઉનલોડ કરતાની સ
Arrest


સુરત, 11 ઓગસ્ટ (હિ.સ.): સુરત સાયબર ક્રાઈમ પોલીસે દેશભરમાં મોબાઈલ હેક કરીને કરોડો રૂપિયાની છેતરપિંડી કરતી ગેંગનો પર્દાફાશ કર્યો છે. PNB Oneના નામે બનાવટી APK ફાઈલ તૈયાર કરી WhatsApp અને અન્ય માધ્યમોથી લોકોને મોકલવામાં આવતી હતી. ફાઈલ ડાઉનલોડ કરતાની સાથે જ મોબાઈલનો કંટ્રોલ આરોપીઓ સુધી પહોંચી જતો અને બેંકિંગ સહિતનો સંવેદનશીલ ડેટા મેળવી ખાતામાંથી નાણાં ટ્રાન્સફર કરવામાં આવતા. પોલીસે પટનાની એક હોટલમાંથી ચાર આરોપીઓને ઝડપી પાડ્યા છે અને તપાસમાં તેમનું કનેક્શન જામતારા ગેંગ સાથે હોવાનું સામે આવ્યું છે.

આ કેસની શરૂઆત સુરતના એક વ્યક્તિ સાથે થયેલા ₹5 લાખના સાયબર ફ્રોડની તપાસથી થઈ હતી. તપાસ આગળ વધતા પોલીસને મોટા નેટવર્કની માહિતી મળી હતી. આરોપીઓએ અત્યાર સુધીમાં બેંક, સરકારી યોજનાઓ, RTO, કસ્ટમર સપોર્ટ અને હોસ્પિટલ સહિતના નામે 336 જેટલી બોગસ APK તૈયાર કરી હોવાનું જાણવા મળ્યું છે. આ ફાઈલો આશરે 31,174 મોબાઈલમાં ઈન્સ્ટોલ કરાવવામાં આવી હતી, જેમાંથી 5,613 લોકોના મોબાઈલનો કંટ્રોલ મેળવી 1,06,643 ડેબિટ ટ્રાન્ઝેક્શન દ્વારા કુલ ₹125.39 કરોડથી વધુની છેતરપિંડી કરવામાં આવી હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.

આરોપીઓ સુધી પહોંચવા સુરત સાયબર ક્રાઈમની ટીમે જામતારા અને દેવઘર વિસ્તારમાં તપાસ શરૂ કરી હતી અને આશરે 2,456 કિલોમીટર સુધી તેમનો પીછો કર્યો હતો. આરોપીઓ પટનાની હોટલમાં રોકાયા હોવાની માહિતી મળતા પોલીસ ટીમે મધરાતે દરોડો પાડી ચારેયને ઝડપી લીધા. પોલીસના જણાવ્યા મુજબ, ગેંગની માંગ પ્રમાણે APK તૈયાર કરનાર આરોપીઓમાં જકરુલ અન્સારી ઉર્ફે ચાંદ મુખ્ય ભૂમિકા ભજવતો હતો અને તેણે 1,248 જેટલી APK ફાઈલો વિકસાવી હોવાનું સામે આવ્યું છે. અગાઉ આ જ તપાસમાં 18 વર્ષીય ડેવલપર રોહિત શાક્યની પણ ધરપકડ થઈ હતી, જેણે 121 બોગસ APK બનાવી ₹64.38 કરોડના ફ્રોડમાં મદદ કરી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande