
સુરત, 11 ઓગસ્ટ (હિ.સ.) : સુરતની નવી સિવિલ હોસ્પિટલ સંલગ્ન મેડિકલ કોલેજમાં રેસિડેન્ટ ડો. હર્ષ પંડ્યાના આપઘાત અને રેગિંગના આક્ષેપોને લઈને ABVP દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. સંગઠનના કાર્યકર્તાઓએ કોલેજ પ્રશાસન સમક્ષ જવાબદાર રેસિડેન્ટ ડોક્ટરો અને પ્રોફેસરો સામે કડક કાર્યવાહી કરવાની માગ કરી હતી. ABVPનો આક્ષેપ છે કે અત્યાર સુધી થયેલી કાર્યવાહી માત્ર ઔપચારિક રહી છે અને દોષિતો સામે અસરકારક પગલાં લેવાયા નથી.
રજૂઆત દરમિયાન કાર્યકર્તાઓએ સંબંધિત HODને પણ ચર્ચા માટે બોલાવવાની માંગ કરી હતી. જોકે HODને હાજર ન કરવામાં આવતા વિદ્યાર્થીઓ અને કાર્યકર્તાઓમાં નારાજગી જોવા મળી હતી. વિરોધ સ્વરૂપે તેમણે ડીનની ચેમ્બરમાં રામધૂન શરૂ કરી હતી, જેના પગલે ડીન ઓફિસમાંથી બહાર નીકળી ગયા હતા. ABVPએ જવાબદાર ડોક્ટરો અને પ્રોફેસરોના મેડિકલ સર્ટિફિકેટ તથા લાઇસન્સ રદ કરવાની પણ માગ ઉઠાવી છે.
ABVPએ કોલેજ પ્રશાસનને બે દિવસનું અલ્ટીમેટમ આપ્યું છે. સંગઠનનું કહેવું છે કે આ સમયગાળામાં માંગણીઓ અંગે યોગ્ય નિર્ણય નહીં લેવાય તો ત્રીજા દિવસે મેડિકલ કોલેજ અને સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં વધુ ઉગ્ર વિરોધ કરવામાં આવશે. સંગઠને સ્પષ્ટ કર્યું છે કે રેગિંગ અને માનસિક ત્રાસ જેવી ઘટનાઓને રોકવા માટે જવાબદારો સામે કડક અને દાખલારૂપ કાર્યવાહી જરૂરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે