

પાટણ, 11 ઓગસ્ટ (હિ.સ.) : પાટણ સહિત સમગ્ર જિલ્લામાં દશામાના દસ દિવસીય વ્રતનો આવતીકાલથી પ્રારંભ થશે. જેને લઈને આજે મંગળવારે પાટણ, સિદ્ધપુર, ચાણસ્મા, હારીજ અને સમી સહિતના બજારોમાં દશામાની મૂર્તિઓ ખરીદવા વ્રતધારી મહિલાઓની ભારે ભીડ જોવા મળી હતી. મહિલાઓએ ઉત્સાહભેર રંગબેરંગી મૂર્તિઓની ખરીદી કરી હતી.
બજારોમાં લારીઓ અને દુકાનો પર વિવિધ પ્રકારની દશામાની મૂર્તિઓ વેચાઈ રહી છે. મૂર્તિઓના ભાવ ₹100થી લઈને ₹7,000 સુધીના છે. વેપારીઓના જણાવ્યા મુજબ આ વર્ષે મૂર્તિઓના ભાવમાં ખાસ કોઈ વધારો થયો નથી.
આવતીકાલે વ્રતધારી મહિલાઓ ઘરે બાજોઠ પર લાલ કાપડ પાથરી દશામાની મૂર્તિનું સ્થાપન કરશે. સાથે પાણી ભરેલો કળશ, આસોપાલવના પાંચ પાન અને દસ ગાંઠવાળું સૂતર રાખી અબીલ, ગુલાલ, કંકુ-ચોખાથી પૂજન કરવામાં આવશે. વ્રત દરમિયાન સવાર-સાંજ આરતી અને ગરબા સાથે માતાજીના ગુણગાન ગવાશે.
દસમા દિવસે રાત્રે જાગરણ કર્યા બાદ સૂર્યોદય પહેલાં માતાજીની મૂર્તિનું ઉત્થાપન કરી ભક્તિભાવપૂર્વક વિદાય આપવામાં આવશે. પરિવારની સુખ-સમૃદ્ધિ અને સારા નસીબ માટે મહિલાઓ આ વ્રત રાખે છે, જ્યારે કેટલાક પુરુષો પણ દશામાનું વ્રત કરતા જોવા મળે છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ