


પોરબંદર, 11 ઓગસ્ટ (હિ.સ.)રાજ્યના નગરો અને મહાનગરોના સર્વાંગી વિકાસને વધુ વેગ
આપવા માટે ગુજરાત સરકાર દ્વારા સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના
અંતર્ગત રાજ્યની મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓને કુલ રૂ. 3,850 કરોડની
વિકાસ ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. આ અંતર્ગત પોરબંદર મહાનગરપાલિકાને રૂ. 55 કરોડની
વિકાસ ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. ગાંધીનગર ખાતે યોજાયેલા વિકાસ ગ્રાન્ટના ચેક
અર્પણ સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે તેમજ શહેરી વિકાસ અને નાણાં
મંત્રી કનુભાઈ દેસાઈ, કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી અને શહેરી વિકાસ રાજ્ય મંત્રી દર્શનાબહેન વાઘેલાની ઉપસ્થિતિમાં વિવિધ
મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓને વિકાસ કામો માટે ગ્રાન્ટના ચેક અર્પણ કરવામાં
આવ્યા હતા. આ પ્રસંગે પોરબંદર મહાનગરપાલિકાના મેયર સાગરભાઈ મોદી, કમિશનર ટી.સી.
તિરથાણી તથા નાયબ કમિશનર હર્ષકુમાર પટેલ ઉપસ્થિત રહ્યા હતા. સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી
શહેરી વિકાસ યોજના અંતર્ગત રાજ્યની 17 મહાનગરપાલિકાઓને રૂ. 2,992 કરોડ અને 152 નગરપાલિકાઓને રૂ. 858 કરોડ મળી કુલ રૂ. 3,850 કરોડની
રકમ વિકાસ કામો માટે ફાળવવામાં આવી છે. જેમાં પોરબંદર ઉપરાંત ગાંધીધામ, નવસારી, સુરેન્દ્રનગર, મહેસાણા, વાપી, નડિયાદ, આણંદ અને મોરબી
મહાનગરપાલિકાઓને પણ રૂ.55 -55 કરોડની
વિકાસ ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. રાજ્ય સરકારની આ મહત્વપૂર્ણ ફાળવણીથી પોરબંદર
મહાનગરપાલિકા વિસ્તારમાં શહેરી માળખાકીય સુવિધાઓ, રસ્તાઓ, જનસુખાકારીના
કામો, સ્વચ્છતા, પર્યાવરણ
સહિતના વિકાસકાર્યોને વધુ ગતિ મળવાની અપેક્ષા છે. ચેક અર્પણ સમારોહને સંબોધતા
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નગરો અને મહાનગરોમાં સુખાકારી તથા સેવા-સુવિધાઓને વધુ
નાગરિક કેન્દ્રિત, પારદર્શક, જવાબદારીપૂર્ણ
અને ટેકનોલોજી આધારિત બનાવવાનું આહવાન કર્યું હતું. મુખ્યમંત્રીએ વિકાસ કામોમાં
ફાળવવામાં આવતા નાણાંનો વધુમાં વધુ ગુણવત્તાયુક્ત પ્રજાકીય કામો માટે સદુપયોગ થાય
તે સુનિશ્ચિત કરવા પદાધિકારીઓ અને અધિકારીઓને અનુરોધ કર્યો હતો. નવા કામોના
આયોજનની સાથે પૂર્ણ થયેલા તથા જૂના કામોની સ્થિતિની પણ કાળજી લેવા અને વિકાસ
કામોની સ્થળ મુલાકાત સાથે મળીને કરવા તેમણે સૂચન કર્યું હતું. શહેરોમાં નવા બનતા
રસ્તાઓ ગુણવત્તાયુક્ત બને, શહેરી
સ્વચ્છતા પ્રત્યે વિશેષ કાળજી લેવાય તેમજ હરિયાળી અને વૃક્ષારોપણ દ્વારા શહેરોમાં
હરિયાળું આવરણ વધારવા પણ મુખ્યમંત્રીએ ભાર મૂક્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya