
સુરત, 11 ઓગસ્ટ (હિ.સ.) સુરતના સિંગણપોર વિસ્તારમાં આવેલા નવા મહોલ્લામાં આજે મકાનમાં આગ લાગવાની ઘટનાથી અફરાતફરી મચી ગઈ હતી. મકાનના પહેલા માળે અચાનક આગ ભભૂકી ઊઠતાં આસપાસના લોકોમાં ગભરાટ ફેલાયો હતો. આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં સ્થાનિકોએ તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરી હતી.
ઘટનાની માહિતી મળતા ફાયરબ્રિગેડની ટીમો તાત્કાલિક સક્રિય થઈ હતી. શહેરના પાંચ અલગ-અલગ ફાયર સ્ટેશનમાંથી 10થી વધુ ફાયર ફાઈટર અને વાહનોને ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા હતા. ફાયરકર્મીઓએ આગને અન્ય ભાગોમાં ફેલાતી અટકાવવા માટે પાણીનો મારો ચલાવી કામગીરી શરૂ કરી હતી.
આ દરમિયાન મકાનના પહેલા અને બીજા માળે કેટલાક લોકો ફસાયા હોવાની માહિતી સામે આવી હતી. પરિસ્થિતિને જોતા આસપાસના સ્થાનિકોએ હિંમત બતાવી અને મહિલા સહિત ત્રણથી વધુ લોકોને સલામત રીતે બહાર કાઢવામાં મદદ કરી હતી. સમયસર રેસ્ક્યુ થતાં મોટી જાનહાનિ ટળી હોવાનું માનવામાં આવી રહ્યું છે.
હાલ ફાયર વિભાગની ટીમો આગ પર સંપૂર્ણ કાબૂ મેળવવા તેમજ આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા માટે કામગીરી કરી રહી છે. ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં લોકોની ભીડ એકઠી થઈ હતી.
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે