
ભાવનગર, 11 ઓગસ્ટ (હિ.સ.) : ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ (એલ.સી.બી.) દ્વારા ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે નારી ચોકડી પાસે રેડ કરી ગંજીપત્તાનો હારજીતનો હાથકાપનો જુગાર રમતા પાંચ શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા હતા. પોલીસે સ્થળ પરથી રોકડ રૂ.૬૧,૫૦૦ તથા ગંજીપત્તાના ૫૨ પાના મળી કુલ રૂ.૬૧,૫૦૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
એલ.સી.બી. પોલીસ સ્ટાફ ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો ત્યારે બાતમી મળી હતી કે નારી ચોકડી ખાતે આવેલા સદગુરુ કોમ્પ્લેક્સમાં શ્રી આંગડિયાની ઉપરની લોબીમાં કેટલાક લોકો જાહેરમાં લાઇટના અજવાળે ગંજીપત્તાના પાના વડે હારજીતનો હાથકાપનો જુગાર રમી રહ્યા છે. બાતમીના આધારે પોલીસ ટીમે સ્થળ પર રેડ કરતા પાંચ શખ્સો જુગાર રમતા મળી આવ્યા હતા.
પોલીસે સ્થળ પરથી રાજેન્દ્રસિંહ વનરાજસિંહ ચુડાસમા, જયપાલસિંહ નટુભા ચુડાસમા, શકિતભાઈ નારસંગભાઈ મોરી, ગોપાલભાઈ ગગજીભાઈ મેર અને યોગીરાજસિંહ બળુભા સોલંકીને ઝડપી પાડ્યા હતા.
આરોપીઓ પાસેથી ગંજીપત્તાના ૫૨ પાના, જેની કિંમત રૂ.૦૦ ગણવામાં આવી છે, તેમજ રોકડ રૂ.૬૧,૫૦૦ મળી કુલ રૂ.૬૧,૫૦૦નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. પોલીસે તમામ પાંચ શખ્સો વિરુદ્ધ વરતેજ પોલીસ સ્ટેશનમાં જુગાર પ્રતિબંધક ધારાની કલમો હેઠળ ગુનો નોંધાવી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA