
જુનાગઢ, 11 ઓગસ્ટ (હિ.સ.) : જુનાગઢ જીલ્લાના ચોકી ગામમાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરવામાં આવી હતી. રાષ્ટ્રીય કૃમિનાશક દિવસ અંતર્ગત ચોકી ગામમાં આરોગ્ય વિભાગ દ્વારા શાળા તથા આંગણવાડી કેન્દ્રોમાં બાળકોને કૃમિનાશક ગોળીઓ આપવામાં આવી હતી.
બાળકોને કૃમિજન્ય રોગોથી સુરક્ષિત રાખવા તેમજ તેમના સ્વાસ્થ્ય અને પોષણમાં સુધારો થાય તે હેતુથી આ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.
આ કામગીરી દરમિયાન MPHW, FHW, તથા આશા બહેનો દ્વારા શાળા અને આંગણવાડી કેન્દ્રોની મુલાકાત લઈ બાળકોને કૃમિનાશક દવા આપવામાં આવી હતી. સાથે જ બાળકો તથા વાલીઓને કૃમિ સંક્રમણથી બચવાના ઉપાયો, સ્વચ્છતા અને આરોગ્ય જાળવણી અંગે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
શાળાના શિક્ષકો, આંગણવાડી કાર્યકરો તથા આરોગ્યકર્મીઓના સહયોગથી સમગ્ર કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી હતી. બાળકોને સ્વસ્થ અને તંદુરસ્ત રાખવાના હેતુથી યોજાયેલા આ અભિયાનને વાલીઓ તથા ગ્રામજનો તરફથી સારો પ્રતિસાદ મળ્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ