




-માંડવી-ભુજમાં ખોરાક અને ઔષધ નિયમન તંત્રની અચાનક તપાસથી વેપારીઓમાં ફફડાટ,
- ડિ-માર્ટ અને રિલાયન્સ સ્માર્ટ મોલ સહિત વિવિધ સ્થળોએ ચેકિંગ
કચ્છ, 11 ઓગસ્ટ (હિ.સ.) : લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતા ભેળસેળયુક્ત અને હલકી ગુણવત્તાના ખાદ્યપદાર્થો સામે રાજ્ય સરકાર દ્વારા હાથ ધરાયેલી ઝુંબેશ અંતર્ગત કચ્છ જિલ્લામાં ખોરાક અને ઔષધ નિયમન તંત્રે કાર્યવાહી વધુ તેજ બનાવી છે. માંડવી અને ભુજ તાલુકામાં તંત્રની ટીમોએ અચાનક તપાસ હાથ ધરી વિવિધ સ્થળોએ ખાદ્યપદાર્થોની ગુણવત્તા અને સંગ્રહ વ્યવસ્થાની ચકાસણી કરી હતી. કાર્યવાહીના પગલે શંકાસ્પદ પનીરનો જથ્થો મળી આવતા તંત્રએ તેને સ્થળ પર જ નષ્ટ કર્યો હતો.
ફૂડ સેફ્ટી ઓફિસર એમ.એમ. પટેલ અને એસ.બી. પટેલના માર્ગદર્શન હેઠળની ટીમે માંડવી તાલુકાના કોડાય ગામ સહિતના વિસ્તારોમાં તેમજ ભુજ તાલુકામાં વિવિધ હોટલો, ડેરી પ્રોડક્ટ્સનું વેચાણ કરતી દુકાનો અને અન્ય ખાદ્ય વ્યવસાયિક એકમોમાં તપાસ કરી હતી. આ ઉપરાંત ગ્રાહકોમાં મોટા પ્રમાણમાં ખરીદી માટે જાણીતા D-Mart અને રિલાયન્સ સ્માર્ટ/મોલ જેવા મોટા સ્ટોર્સમાં પણ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.
તપાસ દરમિયાન ખાદ્ય ચીજવસ્તુઓની ગુણવત્તા, પેકિંગ, સંગ્રહની સ્થિતિ, વેચાણની પ્રક્રિયા તેમજ ફૂડ સેફ્ટીના નિયમોનું પાલન થાય છે કે નહીં તેની ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી. ખાસ કરીને પનીર અને અન્ય દૂધ આધારિત ઉત્પાદનોની ગુણવત્તા અંગે તંત્ર દ્વારા વિશેષ ધ્યાન આપવામાં આવ્યું હતું.
માંડવી તાલુકામાં તપાસ દરમિયાન શંકાસ્પદ જણાયેલા પનીરના ત્રણ નમૂના લેવામાં આવ્યા હતા. આ નમૂનાઓને વધુ વૈજ્ઞાનિક પરીક્ષણ માટે સરકારી લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. બીજી તરફ, આરોગ્ય માટે યોગ્ય ન જણાયેલા અંદાજે 20 કિલો પનીરના જથ્થાનો તંત્રની હાજરીમાં સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો.
હવે લેબોરેટરીના રિપોર્ટ પર કાર્યવાહીનો આધાર રહેશે. જો નમૂનાઓમાં ભેળસેળ કે નિયમભંગ સાબિત થશે તો સંબંધિત જવાબદારો સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. તંત્રએ સ્પષ્ટ કર્યું છે કે લોકોના આરોગ્ય સાથે કોઈપણ પ્રકારનું જોખમ ઊભું કરનાર ખાદ્ય વ્યવસાયિકો સામે કડક પગલાં લેવામાં આવશે. આગામી દિવસોમાં કચ્છના અન્ય વિસ્તારોમાં પણ સરપ્રાઈઝ ચેકિંગ અને સેમ્પલિંગની કામગીરી ચાલુ રાખવામાં આવશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar