
મહેસાણા, 11 ઓગસ્ટ (હિ.સ.) જન્મદિવસની ઉજવણી સામાન્ય રીતે પાર્ટી અને મોજમસ્તી સાથે કરવામાં આવે છે, ત્યારે ઊંઝામાં બે સેવાભાવી વ્યક્તિઓએ જીવદયા અને માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. ઊંઝા, વડનગર અને વિસનગર પાલિકાના ‘ગ્રીન અંબેસેડર’ તરીકે જાણીતા ડૉ. ધરતીબેન જૈન અને વિશાલભાઈ પટેલે પોતાના પુત્રોના જન્મદિવસ નિમિત્તે રસ્તા પર રખડતી 500થી વધુ ગાયોના ગળામાં રેડિયમ બેલ્ટ બાંધવાનું સેવાકાર્ય કર્યું હતું.
રાત્રિના સમયે રસ્તા પર રખડતાં પશુઓ વાહનચાલકોને અંધારામાં સ્પષ્ટ દેખાતા ન હોવાથી અકસ્માતનું જોખમ રહે છે. ગાયોના ગળામાં રેડિયમ બેલ્ટ લગાવવાથી વાહનની લાઇટ પડતાં પશુઓ દૂરથી જ દેખાઈ શકશે અને અકસ્માતની સંભાવના ઘટશે. આ સાથે ગાયોની પણ સુરક્ષા થશે.
આ સેવાકાર્યમાં ઊંઝાના ધારાસભ્ય કિરીટભાઈ પટેલ, નગરપાલિકા પ્રમુખ ક્રિમાબેન પટેલ, ઉપપ્રમુખ અતુલભાઈ નાયક સહિત રાજકીય અને સામાજિક આગેવાનો જોડાયા હતા. શ્રી જહુ માતાજી સેવક પરિવાર, RSS અને NSSના સ્વયંસેવકો, ક્લીન-અપ ટીમ, માલધારી સમાજ, ગૌ-રક્ષકો તથા જાગૃત નાગરિકોએ પણ સહયોગ આપ્યો હતો.
લગભગ 3 કલાકની મહેનત બાદ 500થી વધુ ગાયોને રેડિયમ બેલ્ટ બાંધવાની કામગીરી પૂર્ણ થઈ હતી. ડૉ. ધરતીબેન જૈન અગાઉથી પણ જન્મદિવસે વૃક્ષારોપણ, તળાવ સફાઈ અને પર્યાવરણ જાગૃતિ જેવા સેવાકાર્યો કરવા માટે જાણીતા છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR