
મહેસાણા, 11 ઓગસ્ટ (હિ.સ.) : મહેસાણા–વિસનગર– વડનગર– ખેરાલુ– દાંતા– અંબાજી રોડ પર હોટલ વે વેઈટ નજીક નવીન બ્રિજ બનાવવાની કામગીરી માર્ગ અને મકાન વિભાગ (રાજ્ય), મહેસાણા દ્વારા સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી છે. મહત્વપૂર્ણ માર્ગ પર બ્રિજનું કામ પૂર્ણ થતાં વાહનચાલકોને વધુ સુરક્ષિત અને સુગમ માર્ગ વ્યવસ્થા મળશે.
મહેસાણા, વિસનગર, વડનગર, ખેરાલુ અને દાંતા થઈ અંબાજીને જોડતો આ માર્ગ સ્થાનિક વાહનવ્યવહાર માટે મહત્વનો છે. ઉપરાંત અંબાજી યાત્રાધામ તેમજ તારંગા સહિતના ધાર્મિક અને પ્રવાસન સ્થળોએ મોટી સંખ્યામાં આવતા યાત્રાળુઓ અને પ્રવાસીઓ પણ આ માર્ગનો ઉપયોગ કરે છે.
નવા બ્રિજની કામગીરી પૂર્ણ થતાં માર્ગ પર વાહનવ્યવહાર વધુ સરળ બનવાની સાથે સંભવિત અવરોધો અને મુશ્કેલીઓમાં ઘટાડો થશે. ખાસ કરીને ચોમાસા દરમિયાન માર્ગ સલામતી અને વાહનવ્યવહારની સુગમતામાં આ બ્રિજ મહત્વપૂર્ણ સાબિત થશે.
બ્રિજના નિર્માણથી સ્થાનિક નાગરિકો, વેપારીઓ, વાહનચાલકો ઉપરાંત અંબાજી જતા યાત્રાળુઓને સીધો લાભ મળશે. સાથે જ ઉત્તર ગુજરાતના મહત્વપૂર્ણ ધાર્મિક અને પ્રવાસન સ્થળો વચ્ચેનું માર્ગ જોડાણ વધુ મજબૂત બનશે.
માર્ગ અને મકાન વિભાગના જણાવ્યા મુજબ, આ કામગીરીથી માર્ગ માળખાકીય સુવિધાઓને વધુ મજબૂતી મળશે અને વિસ્તારના આર્થિક તથા સામાજિક વિકાસને પણ વેગ મળશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR