મહેસાણા ટ્રાફિક પોલીસનો અનોખો અભિગમ: નિયમ પાળનાર વાહનચાલકોને ચોકલેટ આપી પ્રોત્સાહિત કરાયા
મહેસાણા, 11 ઓગસ્ટ (હિ.સ.) : માર્ગ સલામતી અને ટ્રાફિક નિયમોના પાલન અંગે વાહનચાલકોમાં જાગૃતિ લાવવા મહેસાણા શહેર ટ્રાફિક શાખા દ્વારા રાધનપુર સર્કલ ખાતે હેલમેટ જાગૃતિ ઝુંબેશ યોજાઈ હતી. પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી (IPS) સહિત ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન
મહેસાણા ટ્રાફિક પોલીસનો અનોખો અભિગમ: નિયમ પાળનાર વાહનચાલકોને ચોકલેટ આપી પ્રોત્સાહિત કરાયા


મહેસાણા, 11 ઓગસ્ટ (હિ.સ.) : માર્ગ સલામતી અને ટ્રાફિક નિયમોના પાલન અંગે વાહનચાલકોમાં જાગૃતિ લાવવા મહેસાણા શહેર ટ્રાફિક શાખા દ્વારા રાધનપુર સર્કલ ખાતે હેલમેટ જાગૃતિ ઝુંબેશ યોજાઈ હતી. પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી (IPS) સહિત ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ યોજાયેલી આ ડ્રાઇવમાં ટ્રાફિક નિયમોનું પાલન કરનાર વાહનચાલકોને પ્રોત્સાહિત કરવાનો અનોખો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

ડ્રાઇવ દરમિયાન રાધનપુર સર્કલ પરથી પસાર થતા દ્વિચક્રી વાહનચાલકો પૈકી હેલમેટ પહેરીને વાહન ચલાવનારાઓને ટ્રાફિક પોલીસ દ્વારા ચોકલેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. પોલીસના આ હકારાત્મક અભિગમથી વાહનચાલકોમાં પણ ઉત્સાહ જોવા મળ્યો હતો. નિયમોનું પાલન કરનારા લોકોને પ્રોત્સાહન આપીને અન્ય વાહનચાલકોને પણ હેલમેટ પહેરવા માટે પ્રેરણા મળે તેવો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

બીજી તરફ, ટ્રાફિક નિયમોનો ભંગ કરનાર વાહનચાલકો સામે કડક કાર્યવાહી પણ કરવામાં આવી હતી. ખાસ ડ્રાઇવ દરમિયાન કુલ 200 વાહનચાલકો સામે કાર્યવાહી કરી સ્થળદંડ અને ઇ-ચલણ આપવામાં આવ્યા હતા.

ટ્રાફિક પોલીસે વાહનચાલકોને અપીલ કરી હતી કે હેલમેટ માત્ર દંડથી બચવા માટે નહીં, પરંતુ અકસ્માતની સ્થિતિમાં જીવન બચાવવા માટે અત્યંત જરૂરી છે. તેથી તમામ દ્વિચક્રી વાહનચાલકોએ વાહન ચલાવતી વખતે ફરજિયાત હેલમેટ પહેરવું અને ટ્રાફિક નિયમોનું પાલન કરવું જોઈએ.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande