
મહેસાણા, 11 ઓગસ્ટ (હિ.સ.) : ગણપત યુનિવર્સિટીની મરીન હોસ્ટેલમાંથી ગુમ થયેલા તેલંગાણાના 20 વર્ષીય વિદ્યાર્થીને મહેસાણા તાલુકા પોલીસે ટેકનિકલ એનાલિસિસ અને માનવ સૂત્રોની મદદથી આણંદથી શોધી કાઢી પરિવાર સાથે મિલન કરાવ્યું હતું.
મળતી માહિતી મુજબ, ગણપત યુનિવર્સિટીમાં અભ્યાસ કરતો અનિરુદ્ધ રાજેશ મેન્ડ્રુ નામનો વિદ્યાર્થી 8 ઑગસ્ટના રોજ પોતાના અંગત કારણોસર કોઈને જાણ કર્યા વિના હોસ્ટેલમાંથી નીકળી ગયો હતો. પરિવાર અને યુનિવર્સિટી દ્વારા શોધખોળ કરવા છતાં તેનો પત્તો ન લાગતાં મહેસાણા તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી.
પોલીસ ઇન્સ્પેક્ટર જે.જી. અમીનના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી વિદ્યાર્થીની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. પોલીસે CCTV ફૂટેજ, ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન સોર્સનો ઉપયોગ કરતાં વિદ્યાર્થી અમદાવાદથી વડોદરા જતી ટ્રેનમાં હોવાની માહિતી મળી હતી. આણંદ રેલવે પોલીસની મદદથી વિદ્યાર્થીને આણંદ રેલવે સ્ટેશન પરથી શોધી કાઢવામાં આવ્યો હતો.
વિદ્યાર્થી સાથે સતત મોબાઇલ પર કાઉન્સેલિંગ કરી તેને અઘટિત પગલું ન ભરવા અને જીવન પ્રત્યે સકારાત્મક અભિગમ રાખવા પ્રોત્સાહિત કરવામાં આવ્યો હતો. ત્યારબાદ તેના માતા-પિતાનો તેલંગાણાથી સંપર્ક કરી મહેસાણા બોલાવવામાં આવ્યા હતા. પોલીસે વિદ્યાર્થીને માતા-પિતાને સોંપતાં પરિવાર ભાવુક બન્યો હતો અને પોલીસનો આભાર માન્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR