
ભાવનગર, 11 ઓગસ્ટ (હિ.સ.) : સિહોર તાલુકામાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસ અંતર્ગત આરોગ્ય વિભાગ દ્વારા વિવિધ વિસ્તારોમાં સઘન કામગીરી હાથ ધરવામાં આવી હતી. તાલુકાના તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, અર્બન હેલ્થ સેન્ટરના સ્ટાફ તેમજ આશા બહેનો દ્વારા શાળાઓ અને આંગણવાડી કેન્દ્રોની મુલાકાત લઈ બાળકોને કૃમિનાશક ગોળી ખવડાવવામાં આવી હતી.
આ અભિયાનનો મુખ્ય હેતુ બાળકોમાં કૃમિના ચેપને અટકાવી તેમના સ્વાસ્થ્ય અને શારીરિક વિકાસને વધુ સારો બનાવવાનો છે. આરોગ્ય કર્મચારીઓ દ્વારા શાળાઓ અને આંગણવાડી કેન્દ્રોમાં બાળકોને કૃમિનાશક દવા આપવાની સાથે સ્વચ્છતા અને આરોગ્ય અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ખાસ કરીને ભોજન પહેલાં અને શૌચાલયનો ઉપયોગ કર્યા બાદ હાથ સાબુથી ધોવા, સ્વચ્છ પાણી પીવું, આસપાસનો વિસ્તાર સ્વચ્છ રાખવો તેમજ ખુલ્લામાં શૌચ ન કરવું જેવી બાબતો અંગે બાળકોને સમજાવવામાં આવ્યા હતા.
આ ઉપરાંત આરોગ્ય વિભાગની ટીમ દ્વારા વાહકજન્ય અને પાણીજન્ય રોગોથી બચવા માટે જરૂરી સાવચેતી અંગે પણ માહિતી આપવામાં આવી હતી. મચ્છરજન્ય રોગોથી બચવા માટે ઘરની આસપાસ પાણી ભરાઈ ન રહે તે અંગે જાગૃતિ ફેલાવવામાં આવી હતી. સાથે જ પીવાનું પાણી સ્વચ્છ અને સુરક્ષિત રાખવા તથા પાણીજન્ય રોગોથી બચવા જરૂરી કાળજી રાખવા અપીલ કરવામાં આવી હતી.
રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની કામગીરી દરમિયાન આરોગ્ય વિભાગના કર્મચારીઓ, આશા બહેનો, શિક્ષકો અને આંગણવાડી કાર્યકરોના સહયોગથી બાળકો સુધી આરોગ્યલક્ષી સેવાઓ પહોંચાડવામાં આવી હતી. આ સમગ્ર અભિયાન દ્વારા બાળકોમાં સ્વચ્છતા, આરોગ્ય અને રોગપ્રતિકાર અંગે જાગૃતિ વધારવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA