
અમરેલી, 11 ઓગસ્ટ (હિ.સ.) : અમરેલી જિલ્લામાં લાંબા વિરામ બાદ ફરી એકવાર મેઘરાજાની એન્ટ્રી થઈ છે. અમરેલી શહેર ઉપરાંત બાબરા અને બગસરા પંથકમાં વરસાદ શરૂ થતાં સમગ્ર જિલ્લામાં વરસાદી વાતાવરણ છવાયું છે.
અમરેલી શહેરમાં આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા બાદ ધીમીધારે વરસાદ શરૂ થયો હતો. બીજી તરફ બાબરા તાલુકા મથક સહિત લુણકી, ઇંગોરાળા જેવા ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી ઝાપટાં પડ્યા હતા. બગસરા શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ વરસતા રસ્તાઓ ભીંજાયા હતા અને વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.
છેલ્લા કેટલાક દિવસથી વરસાદે વિરામ લેતા ગરમી અને બફારાથી લોકો પરેશાન હતા. વરસાદના આગમનથી લોકોને ગરમીમાંથી રાહત મળી છે. બીજી તરફ વરસાદથી ચોમાસુ વાવેતર કરનારા ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો છે.
ખાસ કરીને કપાસ, મગફળી અને સોયાબીન સહિતના પાક માટે આ વરસાદ રાહતરૂપ બન્યો છે.
અમરેલી, બાબરા અને બગસરા પંથકમાં વરસાદ બાદ હવે જિલ્લાના અન્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ સર્જાયો છે. આગામી કલાકોમાં વરસાદનું જોર વધે છે કે નહીં તેના પર ખેડૂતો અને લોકોની નજર છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai