
ભાવનગર,11 ઓગસ્ટ (હિ.સ.) : બાળકોમાં ધાર્મિક સંસ્કાર, આધ્યાત્મિક જ્ઞાન અને નૈતિક મૂલ્યોનું સિંચન થાય તેવા હેતુથી મહુવા શહેરના ખીમનાથ મહાદેવ મંદિરના સાનિધ્યમાં દર રવિવારે બાળકો માટે શિવ સભાનું આયોજન કરવામાં આવે છે. ભણતરની સાથે ગણતર અને સંસ્કારનું જ્ઞાન મળે તેમજ બાળકો સાત્વિક અને ધાર્મિક વાતાવરણ સાથે જોડાય તે માટે છેલ્લા ચાર વર્ષથી આ પ્રવૃત્તિ ચાલી રહી છે.
શિવ સભામાં દર રવિવારે આશરે 100 જેટલા બાળકો ઉત્સાહપૂર્વક જોડાય છે. સભા દરમિયાન બાળકોને સુંદરકાંડ, શ્લોક, રામચરિતમાનસ, ભાગવત સહિતના ધાર્મિક વિષયોનું જ્ઞાન આપવામાં આવે છે. આ ઉપરાંત ભજન, પ્રાર્થના અને વિવિધ ધાર્મિક પ્રવૃત્તિઓ દ્વારા બાળકોમાં આધ્યાત્મિક ભાવના કેળવવાનો પ્રયાસ કરવામાં આવે છે.
આ અંગે અલ્કાબેને જણાવ્યું હતું કે ભગત બાપુની પ્રેરણાથી છેલ્લા ચાર વર્ષથી દર રવિવારે શિવ સભાનું આયોજન કરવામાં આવે છે. બાળકોને ધાર્મિક જ્ઞાનની સાથે સારા સંસ્કાર મળે તેવો પ્રયાસ કરવામાં આવે છે. સભા દરમિયાન બાળકો માટે વિવિધ રમતોનું આયોજન કરવામાં આવે છે અને અંતે નાસ્તાની પણ વ્યવસ્થા કરવામાં આવે છે.
શિવ સભામાં જોડાતી બાળકી ક્રિષ્નાબેને જણાવ્યું હતું કે અહીં સ્તુતિ, સુંદરકાંડ અને શ્લોક શીખવવામાં આવે છે. સાથે રમતો રમાડવામાં આવે છે અને નાસ્તો પણ આપવામાં આવે છે. અન્ય બાળક પ્રિન્સે જણાવ્યું હતું કે છેલ્લા ઘણા રવિવારથી શિવ સભામાં જોડાઈ રહ્યો છે અને અહીં શ્લોક તથા સુંદરકાંડ શીખવાની સાથે ખૂબ આનંદ મળે છે.
આ શિવ સભા બાળકોને શિક્ષણની સાથે ભારતીય સંસ્કૃતિ, પરંપરા અને ધાર્મિક મૂલ્યો સાથે જોડવાનું કાર્ય કરી રહી છે.
--------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA