પશ્ચિમ રેલવેના મહાપ્રબંધક રામાશ્રય પાંડે દ્વારા વેરાવળ અને સોમનાથ રેલવે સ્ટેશનોનું નિરીક્ષણ
સોમનાથ,11 ઓગસ્ટ (હિ.સ.) સાસણ ગિર રેલવે સ્ટેશન ખાતે નવનિર્મિત હોલિડે હોમનું ઉદ્ઘાટન. પશ્ચિમ રેલવેના મહાપ્રબંધક રામાશ્રય પાંડેએ તેમના ભાવનગર મંડળના પ્રવાસ દરમિયાન 10 ઓગસ્ટ, 2026ના રોજ વેરાવળ અને સોમનાથ રેલવે સ્ટેશનોનું વિસ્તૃત નિરીક્ષણ કર્યું. તેમ
વેરાવળ અને સોમનાથ રેલવે સ્ટેશનોનું નિરીક્ષણ


સોમનાથ,11 ઓગસ્ટ (હિ.સ.) સાસણ ગિર રેલવે સ્ટેશન ખાતે નવનિર્મિત હોલિડે હોમનું ઉદ્ઘાટન. પશ્ચિમ રેલવેના મહાપ્રબંધક રામાશ્રય પાંડેએ તેમના ભાવનગર મંડળના પ્રવાસ દરમિયાન 10 ઓગસ્ટ, 2026ના રોજ વેરાવળ અને સોમનાથ રેલવે સ્ટેશનોનું વિસ્તૃત નિરીક્ષણ કર્યું. તેમણે રાજકોટ-વેરાવળ રેલવે સેક્શનનું વિન્ડો ટ્રેલિંગ દ્વારા સંરક્ષા નિરીક્ષણ પણ કર્યું. આ પ્રસંગે ભાવનગર મંડળના મંડલ રેલ પ્રબંધક શ્રી દિનેશ વર્મા સહિત મંડળના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

મહાપ્રબંધક રામાશ્રય પાંડેએ વેરાવળ રેલવે સ્ટેશન ખાતે યાત્રી સુવિધાઓનું નિરીક્ષણ કર્યું. તેમણે વેરાવળ સ્ટેશનના પુનર્વિકાસ, યાર્ડની ક્ષમતા વધારવા તેમજ વધુ ટ્રેનોનું સુચારુ સંચાલન થઈ શકે તે માટેની યાર્ડ રિમોડેલિંગ યોજનાઓ અંગે વિગતવાર ચર્ચા કરી અને તેનું નિરીક્ષણ કર્યું.

રેલ મુસાફરોને વધુ સારી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાના હેતુથી તેમણે સ્ટેશન પર ઉપલબ્ધ યાત્રી સુવિધાઓની ગુણવત્તા, સ્વચ્છતા, જાળવણી વ્યવસ્થા તથા મુસાફરોને પૂરી પાડવામાં આવતી સેવાઓની વિગતવાર સમીક્ષા કરી અને સંબંધિત અધિકારીઓને જરૂરી દિશા-નિર્દેશો આપ્યા. મહાપ્રબંધકે મુસાફરોની સુવિધા અને સંરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવા પર વિશેષ ભાર મૂક્યો.

મહાપ્રબંધકે સોમનાથ રેલવે સ્ટેશન ખાતે ચાલી રહેલા પુનર્વિકાસ કાર્યોની સમીક્ષા કરી તથા વિવિધ બાંધકામ કાર્યોની પ્રગતિનું વિગતવાર નિરીક્ષણ કર્યું. તેમણે સંબંધિત અધિકારીઓને તમામ કાર્યો નિર્ધારિત સમયમર્યાદામાં ગુણવત્તાપૂર્વક અને ઝડપી ગતિએ પૂર્ણ કરવા સૂચના આપી. તેમણે સ્ટેશનના પુનર્વિકાસ દરમિયાન યાત્રી સુવિધાઓ, સંરક્ષા ધોરણો તથા બાંધકામની ગુણવત્તા પર વિશેષ ધ્યાન આપવા પર ભાર મૂક્યો.

પશ્ચિમ રેલવેના મહાપ્રબંધક રામાશ્રય પાંડે તથા પશ્ચિમ રેલવે મહિલા કલ્યાણ સંગઠનની અધ્યક્ષાસુજાતા પાંડેએ 10 ઓગસ્ટ, 2026ના રોજ સાસણ ગીર રેલવે સ્ટેશન ખાતે રેલ કર્મચારીઓ માટે નવનિર્મિત હોલિડે હોમનું ઉદ્ઘાટન કર્યું.

આ પ્રસંગે પર્યાવરણ જાગૃતિને પ્રોત્સાહન આપવા તેમજ પર્યાવરણ સંરક્ષણ અને હરિત વિકાસનો સંદેશ આપવાના હેતુથી મહાપ્રબંધકે તમામ અધિકારીઓ સાથે વૃક્ષારોપણ પણ કર્યું.

આ પ્રસંગે ભાવનગર મંડળના મંડલ રેલ પ્રબંધક દિનેશ વર્મા, WRWWO, ભાવનગર મંડળની અધ્યક્ષા શાલિની વર્મા, સ્થાનિક કર્મચારી હિત નિધિના અધ્યક્ષ હુબલાલ જગન, કર્મચારી હિત નિધિ સમિતિના સભ્યો તથા અન્ય રેલ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.નવનિર્મિત હોલિડે હોમ દ્વારા રેલ કર્મચારીઓ અને તેમના પરિવારોને સાસણ ગીર જેવા કુદરતી અને પર્યટનની દૃષ્ટિએ મહત્વપૂર્ણ સ્થળે સુવિધાજનક તથા પોસાય તેવા દરે રહેવાની સુવિધા ઉપલબ્ધ થશે. આ સુવિધાનો ખાસ કરીને ગ્રુપ ‘C’ અને ‘D’ના રેલ કર્મચારીઓને લાભ મળશે.

સાસણ ગીર તેના પ્રાકૃતિક સૌંદર્ય તથા એશિયાઈ સિંહોની લાયન સફારી માટે વિશ્વવિખ્યાત છે. હોલિડે હોમની સુવિધા ઉપલબ્ધ થવાથી રેલ કર્મચારીઓ અને તેમના પરિવારો પોસાય તેવા દરે આવાસનું બુકિંગ કરીને લાયન સફારીનો આનંદ માણી શકશે તેમજ પ્રકૃતિના સાનિધ્યમાં પોતાના પરિવાર સાથે સુખદ સમય વિતાવી શકશે.

આ પ્રસંગે મહાપ્રબંધક રામાશ્રય પાંડેએ રેલ કર્મચારીઓના કલ્યાણ અને સુવિધાઓ માટે કરવામાં આવી રહેલા પ્રયાસોની પ્રશંસા કરી. તેમણે જણાવ્યું કે આવી કલ્યાણકારી સુવિધાઓ રેલ કર્મચારીઓ અને તેમના પરિવારોને કામની સાથે સારો આરામ અને મનોરંજનનો અવસર પૂરો પાડે છે.

તેમણે જણાવ્યું કે નવનિર્મિત હોલિડે હોમ રેલ કર્મચારીઓના કલ્યાણની દિશામાં એક મહત્વપૂર્ણ પહેલ છે, જેના દ્વારા કર્મચારીઓ અને તેમના પરિવારો સાસણ ગીરની પ્રાકૃતિક તથા વન્યજીવ સંપદાનો સુવિધાજનક અને પોસાય તેવા ખર્ચે આનંદ માણી શકશે. સિંહ સદનથી સાસણ ગીર હોલિડે હોમનું અંતર આશરે 400 મીટર છે અને તે રેલવે પરિસરમાં આવેલું છે.

મહાપ્રબંધકે તમામ અધિકારીઓ અને કર્મચારીઓને સંરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપીને મુસાફરોને ઉત્કૃષ્ટ, સુરક્ષિત અને વિશ્વસનીય રેલ સેવાઓ પૂરી પાડવા આહ્વાન કર્યું. પશ્ચિમ રેલવે મુસાફરોને સુરક્ષિત, આધુનિક, સ્વચ્છ, સુલભ અને વિશ્વસ્તરીય રેલ સેવાઓ ઉપલબ્ધ કરાવવા માટે સતત પ્રતિબદ્ધ છે.

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande