
અમરેલી, 11 ઓગસ્ટ (હિ.સ.) : જાફરાબાદના લુણસાપુર ગામે વિશ્વ સિંહ દિવસ નિમિત્તે ઇન્ડો એશિયા કોપર લિમિટેડ (IACL) કંપની દ્વારા સિંહ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કંપનીની પ્રોજેક્ટ સાઇટ પર યોજાયેલા આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય એશિયાટિક સિંહોના સંરક્ષણ, વન્યજીવ સુરક્ષા, કુદરતી આવાસના જતન તેમજ માનવ-વન્યજીવ સહઅસ્તિત્વ અંગે જાગૃતિ ફેલાવવાનો હતો.
કાર્યક્રમ દરમિયાન ગુજરાત વન વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા વિશેષ જાગૃતિ સત્ર યોજાયું હતું. જેમાં એશિયાટિક સિંહોના સંરક્ષણ સાથે વન્યજીવોની સુરક્ષા, સિંહોના કુદરતી આવાસનું જતન અને વન્યજીવો સાથે સુરક્ષિત તથા જવાબદાર વ્યવહાર અંગે મહત્વપૂર્ણ માહિતી આપવામાં આવી હતી.
જાફરાબાદ રેન્જ ફોરેસ્ટ અધિકારી જિજ્ઞાસાબેન શેતારાનીયા, ફોરેસ્ટર એમ.એ. ડોડીયા અને બીટ ગાર્ડ એ.કે. ચૌહાણે ઉપસ્થિત લોકોને સિંહ સંરક્ષણ અને વન્યજીવ સુરક્ષા અંગે માર્ગદર્શન આપ્યું હતું.
કાર્યક્રમમાં IACLના ડિરેક્ટર હરેશ વોરા સહિત કંપનીના અધિકારીઓ, કર્મચારીઓ તેમજ સાઇટ પર કાર્યરત શ્રમિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
IACL દ્વારા પર્યાવરણ સંરક્ષણ, જૈવવિવિધતાના જતન અને ટકાઉ વિકાસ પ્રત્યે પોતાની પ્રતિબદ્ધતા સાથે આવા જાગૃતિ કાર્યક્રમો દ્વારા લોકોમાં વન્યજીવ સંરક્ષણનો સંદેશ પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai