
- પ્રધાનમંત્રીનાં નેતૃત્વ હેઠળ, ભારતે જંગલો અને વન્યજીવોના સંરક્ષણ માટે અસંખ્ય પહેલો કરી છે. પ્રધાનમંત્રીએ અવારનવાર કહ્યું છે કે, પ્રકૃતિ અને વન્યજીવોનું રક્ષણ એ ભારતની સંસ્કૃતિ અને પરંપરાનો એક મહત્વપૂર્ણ ભાગ છે.
- બનાસકાંઠા જિલ્લાનાં જૂના ડીસા ખાતે 103 હેક્ટર વિસ્તારમાં 542.14 કરોડના અંદાજિત ખર્ચે 'ડેઝર્ટ ઝૂઓલોજિકલ પાર્ક અને નાઇટ સફારી' વિકસાવવામાં આવશે: અર્જુન મોઢવાડિયા
- આ પ્રાણીસંગ્રહાલય વન્યજીવ સંરક્ષણ, રેસ્ક્યૂ, પુનર્વસન અને પર્યાવરણીય શિક્ષણને પ્રોત્સાહન આપવાની સાથે લગભગ 83 પ્રજાતિઓના 2700 જેટલા દેશી અને વિદેશી પશુ-પક્ષીઓનું ઘર બનશે: પ્રવીણ માળી
ગાંધીનગર, 12 ઓગસ્ટ (હિ.સ.) : બનાસકાંઠા જિલ્લાનાં ડીસા ખાતે બની રહેલા એશિયાનાં પ્રથમ ‘ડેઝર્ટ થીમ’ ઝૂઓલોજિકલ પાર્ક’ આધારિત ડિઝાઇન કરેલા 'ડ્રાઇવ થ્રુ નાઇટ સફારી'ને સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી (CZA) તરફથી મંજૂરી મળી ગઈ છે.
ગુજરાત વન વિભાગ દ્વારા વિકસાવવામાં આવી રહેલા આ પ્રોજેક્ટનો હેતુ વન્યજીવ સંરક્ષણ અને ઇકો-ટૂરિઝમને પ્રોત્સાહન આપવાનો છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનાં નેતૃત્વ હેઠળ, ભારતે જંગલો અને વન્યજીવોના સંરક્ષણ માટે અસંખ્ય પહેલો કરી છે. પ્રધાનમંત્રીએ અવારનવાર કહ્યું છે કે, પ્રકૃતિ અને વન્યજીવોનું રક્ષણ એ ભારતની સંસ્કૃતિ અને પરંપરાનો એક મહત્વપૂર્ણ ભાગ છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનાં નેતૃત્વમાં ગુજરાત સરકાર રાજ્યભરમાં વન્યજીવ સંરક્ષણના અનેક પ્રોજેક્ટોનો અમલ કરી રહી છે, જેમાં ડીસા ખાતે પ્રસ્તાવિત ડેઝર્ટ-થીમ આધારિત ઝૂઓલોજિકલ પાર્કનો પણ સમાવેશ થાય છે.
પ્રસ્તાવિત ડીસા ‘ડેઝર્ટ ઝૂઓલોજિકલ પાર્ક અને નાઇટ સફારી’ જૂના ડીસા ખાતે આશરે 103 હેક્ટર વિસ્તારમાં બનશે. આ પ્રોજેક્ટ સેન્ટ્રલ ઝૂ ઓથોરિટીની માર્ગદર્શિકા મુજબ તૈયાર થાય છે. આ પ્રોજેક્ટનો અંદાજિત ખર્ચ 542.14 કરોડ છે. આ મહાત્વાકાંક્ષી પ્રોજેક્ટને હવે સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી તરફથી મંજૂરી મળી ગઈ છે, વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, વન અને પર્યાવરણ વિભાગનાં રાજયમંત્રી પ્રવિણ માળીનાં મતવિસ્તારમાં આ પ્રોજેક્ટ આકાર લઇ રહ્યો છે અને આ ઝુઓલોજિકલ પાર્ક તેમનો ડ્રીમ પ્રોજેક્ટ છે.
‘’આ પ્રાણીસંગ્રહાલયને એક આધુનિક સંરક્ષણ સુવિધા તરીકે ડિઝાઇન કરવામાં આવ્યું છે, જેમાં લગભગ 83 પ્રજાતિઓના આશરે 2700 દેશી અને વિદેશી પ્રાણી-પક્ષીઓને રાખવામાં આવશે. આ પ્રોજેક્ટ મુલાકાતીઓને વન્યજીવોના અનોખા અનુભવોની સાથે સાથે સંરક્ષણ, પ્રજનન, વન્યજીવ રેસ્ક્યૂ, પુનર્વસન, પર્યાવરણીય શિક્ષણ અને કુદરતના વૈજ્ઞાનિક અર્થઘટન માટેના કેન્દ્ર તરીકે પણ કામ કરશે. ડીસા ખાતે બની રહેલુ આ ઝૂ એશિયાનું પ્રથમ ડેઝર્ટ થીમ આધારિત ઝૂ હશે. વિશ્વનું આ પ્રકારનું ત્રીજુ ડેઝર્ટ-થીમ ઝૂ હશે અને વિશ્વું ચોથુ નાઇટ સફારી ઝૂ બનશે,’’ વન અને પર્યાવરણ રાજ્ય મંત્રી પ્રવીણ માળીએ જણાવ્યું હતું.
‘’આ પ્રોજેક્ટનું મુખ્ય આકર્ષણ તેની વિશ્વકક્ષાની નાઇટ સફારી હશે, જ્યાં મુલાકાતીઓ સૂર્યાસ્ત પછી ખાસ ડિઝાઇન કરાયેલા એન્ક્લોઝરમાં નિશાચર પ્રાણીઓને જોઈ શકશે. આ પ્રોજેક્ટમાં એક અલગ 'ડે ઝૂ' (દિવસનું પ્રાણીસંગ્રહાલય) અને નાઇટ સફારી માટેના પાંચ સમર્પિત એન્ક્લોઝર હશે. આ પ્રોજેક્ટ ઉત્તર ગુજરાતની ટુરિઝમ સર્કિટ માટે મહત્વું સ્થાન બની રહેશે,’’ પ્રવિણ માળીએ વધુમાં ઉમેર્યુ હતુ.
“આ પ્રાણીસંગ્રહાલયમાં ચિંકારા, કાળિયાર, ભારતીય ઘૂડખર, એશિયાટીક સિંહ અને દીપડા જેવા પ્રાણીઓને રાખવામાં આવશે,” અગ્ર મુખ્ય વન સંરક્ષક (વન્યજીવ) અને ચીફ વાઇલ્ડલાઇફ વોર્ડન ડો. જયપાલ સિંઘે જણાવ્યું હતું.
“પ્રાણીસંગ્રહાલયમાં અલગ અલગ પ્રજાતિનાં પ્રાણીઓ માટે અલગ-અલગ એન્ક્લોઝર, પક્ષીઘર, સરિસૃપ ઘર, બટરફ્લાય પાર્ક, ઇન્ટરપ્રિટેશન સેન્ટર, ફૂડ કોર્ટ, સોવેનિયર શોપ, ગોલ્ફ કાર્ટ સેવા અને મુલાકાતીઓ માટેની અન્ય સુવિધાઓ પણ હશે.” ડો. જયપાલ સિંઘે વધુમાં જણાવ્યું.
“પર્યાવરણીય અસરોને ઘટાડવા માટે આ પ્રોજેક્ટમાં વર્ષાજળ સંચય, સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ સિસ્ટમ, સોલર એનર્જી, સ્થાનિક વનસ્પતિઓનું વાવેતર અને ગ્રીન બફર ઝોન જેવી ગ્રીન ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે,” ગાંધીનગર વાઇલ્ડલાઇફ સર્કલના મુખ્ય વન સંરક્ષક આરાધના સાહૂએ જણાવ્યું હતું.
વડનગર, અંબાજી અને નડાબેટ જેવા પ્રવાસન સ્થળોની સાથે આ પ્રાણીસંગ્રહાલય પણ એક મુખ્ય પ્રવાસી આકર્ષણ બની રહેશે. આ ઉપરાંત, આ ઝૂ વન્યજીવ સંરક્ષણ અને ઇકો-ટૂરિઝમ માટેનું એક ફ્લેગશિપ ડેસ્ટિનેશન બનશે,
બનાસકાંઠા વાઇલ્ડલાઇફ ડિવિઝનના નાયબ વન સંરક્ષક પોપટરાવ ગારડીએ જણાવ્યું હતું.
આ પ્રાણીસંગ્રહાલયમાં ભારતીય રણના પ્રાણીઓ જેવા કે, શાહુડી. સસલુ, શેળો, ડેઝર્ટ હેર, ભારતીય ઘૂડખર, રીંછ, કેરેકલ, ભારતીય વરુ, શિયાળ, ઝરખ, ભારતીય રણ લોમડી જેવા પ્રાણીઓ રાખવામાં આવશે. આ ઉપરાંત, પ્રોજેક્ટના અન્ય મુખ્ય આકર્ષણોમાં રેપ્ટાઇલ સફારી, રેઇન ફોરેસ્ટ બાયોમ અને એક્વેરિયમનો પણ સમાવેશ થાય છે.
આફ્રિકન રણના પ્રાણીઓમાં મુખ્ય આકર્ષણ રહેશે. જેમાં એંગોલન જિરાફ, ગ્રેવીઝ ઝેબ્રા, સિમિતાર ઓરિક્સ, આફ્રિકન કુડુ સ્પ્રિંગબોક, અદ્રા ગેઝેલ, બ્લેક રાઇનોસરોસ, ચિમ્પાન્ઝી, મીરકાટ, આફ્રિકન ચિત્તો, આફ્રિકન સિંહ, ફેનેક ફોક્સ, બેટ-ઇયર્ડ ફોક્સ અને શાહમૃગનો સમાવેશ થાય છે. આ સિવાય, ઓસ્ટ્રેલિયન રણના પ્રાણીઓ જેવા કે કાંગારૂ, એમુ અને વોલાબી પણ મુલાકાતીઓ માટે મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બનશે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ