




- આગ લાગતા તેમાં ફસાયેલા બે લોકોનું રેસ્ક્યુ કરી હેમખેમ બચાવી લેવાયા
- રાજહંસ સિનેમામાં આગ કયા કારણોસર લાગી તે અંગે હાલ તપાસ હાથ ધરવામાં આવી
ભરૂચ,12 ઓગસ્ટ (હિ.સ.) અંકલેશ્વરના કોસમડી નજીક એપલ પ્લાઝા સ્થિત રાજહંસ સિનેમામાં ચાલુ ફિલ્મ દરમિયાન સ્ક્રીન નંબર-3માં અચાનક આગ ભભૂકી ઉઠતા અફરાતફરી મચી ગઈ હતી.
આગ એટલી વિકરાળ હતી કે સ્ક્રીન નંબર-3નો સમગ્ર હિસ્સો બળીને રાખ થઈ ગયો હતો.આગની ઘટનામાં બે લોકો અંદર ફસાઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગ દ્વારા તાત્કાલિક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું અને બંનેને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. આગની જાણ થતાં સિનેમાનો વીજ પુરવઠો પણ તાત્કાલિક બંધ કરી દેવામાં આવ્યો હતો.
ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ટીમો ત્રણ ફાયર ટેન્ડર સાથે ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયર વિભાગના જવાનોએ આશરે બે કલાક સુધી ભારે જહેમત ઉઠાવી આગ પર કાબૂ મેળવ્યો હતો.આગની ગંભીરતાને ધ્યાનમાં લેતા ડી.વાય.એસ.પી. ડૉ. કુશલ ઓઝા સહિતના પોલીસ અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને સમગ્ર સ્થિતિની સમીક્ષા કરી હતી.
રાજહંસ સિનેમામાં આગ કયા કારણોસર લાગી તે અંગે હાલ તપાસ હાથ ધરવામાં આવી છે. ઘટનાને પગલે સિનેમા પરિસરમાં થોડા સમય માટે ભયનો માહોલ જોવા મળ્યો હતો.
હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ