
- તા.૧૪ ઓગસ્ટના રોજ તિરંગા યાત્રા નરસિંહ મહેતા તળાવ ખાતેથી પ્રસ્થાન થશે
જુનાગઢ, 12 ઓગસ્ટ (હિ.સ.) : રાષ્ટ્રીય સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે અને 'હર ઘર તિરંગા' અભિયાન અંતર્ગત વંદે માતરમ ની ભાવનાને સમર્પિત ‘તિરંગા યાત્રા - ૨૦૨૬’ નું ભવ્ય આયોજન જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવ્યું છે.
આઝાદીના સ્વતંત્રતા સેનાનીઓના શૌર્ય અને બલિદાનને બિરદાવવાના આ રાષ્ટ્રીય અભિયાન અંતર્ગત યોજાનાર તિરંગા યાત્રા આગામી તારીખ ૧૪ ઓગસ્ટના રોજ સવારે ૦૮:૩૦ કલાકે નરસિંહ મહેતા તળાવ ખાતેથી પ્રસ્થાન થશે. આ યાત્રા નરસિંહ મહેતા સરોવરથી શરૂ થઈ આઝાદ ચોક, રાણાવાવ ચોક, ડો. બાબાસાહેબ આંબેડકર ચોક અને કાળવા ચોક થઈ જીમખાના સરદાર ચોક ખાતે સમાપન થશે.
આ દેશપ્રેમથી સભર કાર્યક્રમમાં જૂનાગઢના તમામ નાગરિકો અને દેશપ્રેમી જનતાને બહોળી સંખ્યામાં સહભાગી બની યાત્રાને સફળ બનાવવા જિલ્લા વહીવટી તંત્ર - જૂનાગઢ દ્વારા ભાવભર્યું નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ