જૂનાગઢ જિલ્લાના ખેડૂતો માટે મગફળીના ઊભા પાકમાં સંકલિત રોગ વ્યવસ્થાપનની માર્ગદર્શિકા જાહેર કરાઈ
જુનાગઢ, 12 ઓગસ્ટ (હિ.સ.) : જૂનાગઢ જિલ્લાના ખેડૂતો માટે વર્તમાન સમયમાં મગફળીના ઊભા પાકમાં સંકલિત રોગ વ્યવસ્થાપન અંગેની વિવિધ માર્ગદર્શિકા/એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે. જેમાં જણાવ્યા અનુસાર, મગફળીમાં થડનો કોહવારો, ડોડવાનો સડો (સ્ટેમ
જૂનાગઢ જિલ્લાના ખેડૂતો માટે


જુનાગઢ, 12 ઓગસ્ટ (હિ.સ.) : જૂનાગઢ જિલ્લાના ખેડૂતો માટે વર્તમાન સમયમાં મગફળીના ઊભા પાકમાં સંકલિત રોગ વ્યવસ્થાપન અંગેની વિવિધ માર્ગદર્શિકા/એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે. જેમાં જણાવ્યા અનુસાર, મગફળીમાં થડનો કોહવારો, ડોડવાનો સડો (સ્ટેમ રોટ) અને સફેદ ફૂગના નિયંત્રણ માટે ઉભા પાકમાં રોગિષ્ટ છોડ દેખાય કે તરત જ ઉપાડી ત્યાં બહારથી માટી લાવી ફુગ ઢંકાઈ જાય તે રીતે નાંખવી અને પગથી જમીન દબાવી દેવી. ટ્રાયકોડર્મા હારજીયાનમ આધારિત ૨.૫ કિલો પાવડરને ૨.૫ કિલો રેતીમાં ભેળવી વાવેતરના એક માસ બાદ થડ પાસે આપને પિયત આપવું જોઈએ.

સફેદ ફૂગના નિયંત્રણ માટે મગફળીના વાવેતર બાદ સમાર મારવો અને પાળા ચડાવવા નહી. વધારે પડતી આંતર ખેડ ન કરવી. ટપકાના રોગથી પાન ખરી પડે તો સફેદ ફુગને ખોરાક મળે છે અને આ રોગ વધે છે. ટપકાને કારણે પાક પાકતા પહેલા પાન ખરી ન પડે તે માટે જરૂરી દવાઓનો છંટકાવ કરવો.

તેમજ ઊભા પાકમાં મૂળનો સડો થતો અટકાવવા માટે જરૂર જણાયે પૂરતા પ્રમાણમાં પાણી આપવું જોઈએ. તેમજ કાપણી સમયે ડોડવાઓને ઈજા ન થાય તેનું ધ્યાન રાખવું. મગફળીમાં સુકારો મુખ્યત્વે પાકના ૫૦ થી ૬૦ દિવસ બાદ વધુ પડતા તાપમાને ઓછા પડતા ભેજની અવસ્થાએ જોવા મળતો હોઈ ઉભા પાકમાં આંતરખેડ અને નિંદામણ કરતી વખતે તેમજ મગફળી ઉપાડતી વખતે ડોડવાને ઇજા ન થાય તેની સાવચેતી રાખવી.

થડનો કોહવારોના નિયંત્રણ માટે ફૂલ આવવાના સમયે, શીંગો બંધાવવાના સમયે કે દાણાના બંધારણ સમયે જમીનમાં ભેજની ઊણપ હોય તો પિયત આપવું. ઓછામાં ઓછી આંતર ખેડ કરવી તેમજ પાળા ચઢાવવા નહીં. થડનો કોહવારો અને ડોડવાનો સડો (સ્ટેમ રોટ) ના નિયંત્રણ માટે જો ટ્રાયકોડર્મા કલ્ચર વાવણી સમયે ચાસમાં આપી શકાયેલ ન હોય તો વાવણી બાદ ૩૦ દિવસે પંપમાં ૫૦ ગ્રામ પ્રમાણે (પંપમાં નોઝલ કાઢી) છોડના મૂળની આસપાસ રેડી શકાય.

ટીક્કા માટે લીમડાના તાજા પાનનો અર્ક બનાવી તેમાથી ૧ ટકાનું દ્રાવણ બનાવીને ૩૦, ૫૦ અને ૭૦ દિવસે છંટકાવ કરવાથી ટીક્કા રોગનું અસરકારક નિયંત્રણ થાય છે. ટેબુકોનોઝલ (ફોલીક્યુર ૨૫ ટકા) ૦.૦૩૫ ટકા દવાના ત્રણ છંટકાવ ૩૫, ૫૦ અને ૭૦ દિવસે કરવાથી રોગનું નિયંત્રણ થાય છે.

પાનનાં ટપકાના રોગ તેમજ ગેરૂ રોગના નિયંત્રણ માટે મગફળીનો પાક ૩૦ થી ૩૫ દિવસનો થાય ત્યારે કાર્બેન્ડેઝીમ (૧૦ ગ્રામ/૧૦ લી. પાણી) અથવા મેન્કોઝેબ (૧૦ ગ્રામ/૧૦ લી. પાણી) અથવા ક્લોરોથેલોનીલ (૧૦ ગ્રામ/૧૦ લી. પાણી) અથવા હેક્ઝાકોનાઝોલ (૫ મિલી/૧૦ લી. પાણી) અથવા ડાયફેનોકોનાઝોલ (૫ મિલી/૧૦ લી. પાણી) અથવા ટેબ્યુકોનાઝોલ (૫ ગ્રામ/૧૦ લી. પાણી) અથવા મેટીરામ (૧૦ ગ્રામ/૧૦ લી. પાણી) અથવા પ્રોપીકોનાઝોલ (૧૦ ગ્રામ/૧૦ લી. પાણી) અથવા પાયરાકલોસ્ટોબીન (૧૦ ગ્રામ/૧૦ લી. પાણી) અથવા કાર્બેન્ડેઝીમ ૧૨% + મેન્કોઝેબ ૬૩% (૧૦ ગ્રામ/૧૦ લી. પાણી) ફૂગનાશક દવાનાં ૨ થી ૩ છંટકાવ ૧૨ થી ૧૫ દિવસનાં અંતરે કરવા. શક્ય હોય તો દરેક છંટકાવ સમયે એકની એક ફુગનાશક ન વાપરતા દવાની ફેરબદલી કરવી.

મગફળીમાં અગ્રકાલિકાનો સુકારો રોગ થ્રીપ્સ મારફતે ફેલાતો હોવાથી શોષક પ્રકારની કીટનાશક દવાઓનો જરૂર મુજબ છંટકાવ કરવો. મૂળના ગંઠવા કૃમિના નિયંત્રણ માટે કાર્બોફ્યુરાન ૩સીજી (એનકેપ્સ્યુલેટેડ ગ્રેન્યુઅલ) દવા ૩૩ કીગ્રા હેક્ટર દીઠ આપવી. વધુમાં દવાના વપરાશ વખતે દવા ઉપર આપવામાં આવેલ લેબલ મુજબ જે તે પાક માટે આપવામાં આવેલ ડોઝ અને જે તે રોગ/ જીવાત માટેની દવા છે, તે ભલામણ મુજબ અનુસરવા જણાવવામાં આવે છે.

આ અંગે વધુ જાણકારી મેળવવા માટે ખેડૂતોએ તેમના નજીકના વિસ્તારના ગ્રામસેવક વિસ્તરણ અધિકારી, ખેતી અધિકારી તાલુકા અમલીકરણ અધિકારી મદદનીશ ખેતી નિયામક, જિલ્લા ખેતીવાડી અધિકારી નાયબ ખેતી નિયામક (વિસ્તરણ), નાયબ ખેતી નિયામક (તાલીમ) નો સંપર્ક કરવો.

આ અંગે માહિતીનો મુખ્ય સોર્સ મુખ્ય તેલીબિયા સંશોધન કેન્દ્ર, જૂનાગઢ કૃષિ યુનિવર્સીટી, જમીનજન્ય રોગ, જીવાતોનું સંકલિત નિયંત્રણ માહિતી પુસ્તિકા અને સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સીટી તરફથી સહયોગ પ્રાપ્ત થયેલ છે. તેમ જિલ્લા ખેતીવાડી અધિકારી, જિલ્લા પંચાયત, ખેતીવાડી શાખા, જૂનાગઢની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande