
કચ્છ, 12 ઓગસ્ટ (હિ.સ.) : પશ્ચિમ કચ્છમાં ગેરકાયદેસર દારૂની હેરાફેરી સામે પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી રહેલી કાર્યવાહી અંતર્ગત લોકલ ક્રાઇમ બ્રાન્ચને વધુ એક સફળતા મળી છે. માધાપર પોલીસ સ્ટેશનની હદમાં ચોરખાના બનાવી હોન્ડા સિટી કારમાં છુપાવીને લઈ જવાતો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. સમગ્ર કાર્યવાહીમાં બે આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે, જ્યારે દારૂના જથ્થા સાથે સંકળાયેલા અન્ય એક આરોપીને પકડવા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ, પશ્ચિમ કચ્છના પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા તથા પોલીસ અધિક્ષક વિકાસ સુંડાની સૂચનાથી જિલ્લામાં ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટનો વિદેશી દારૂ મંગાવી તેનું વેચાણ કરતા તત્વો પર સતત નજર રાખવામાં આવી રહી છે. આ અંતર્ગત લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર એ.એમ. મકવાણા અને પોલીસ સબ-ઇન્સ્પેક્ટર એમ.એચ. શીણોલના માર્ગદર્શન હેઠળ ટીમ પેટ્રોલિંગમાં હતી.
આ દરમિયાન ASI વિરેન્દ્રસિંહ જાડેજા અને સુરેન્દ્રસિંહ ઝાલાને બાતમી મળી હતી કે, સફેદ રંગની હોન્ડા સિટી કાર નંબર GJ-01-HZ-2138માં બે શખ્સો શેખપીર તરફથી ભુજ તરફ આવી રહ્યા છે અને કારમાં ખાસ ચોરખાના બનાવી તેમાં વિદેશી દારૂનો જથ્થો છુપાવવામાં આવ્યો છે. બાતમીના આધારે પોલીસે વાહનને રોકી તલાશી લેતા કારમાંથી અલગ-અલગ બ્રાન્ડની વિદેશી દારૂની 125 બોટલો તથા 37 ક્વાર્ટર મળી આવ્યા હતા.
પોલીસે કુલ રૂ.1,68,109નો દારૂ, બે મોબાઇલ ફોનની કિંમત રૂ.10,000 તથા રૂ.3.30 લાખની હોન્ડા સિટી કાર સહિત કુલ રૂ.5,08,109નો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસે મહેન્દ્રસિંઘ કન્હેયાલાલ ડોઈ, મૂળ રાજસ્થાન તથા હાલ ઉત્તર પ્રદેશમાં રહેતા, તેમજ ક્રીષ્નાકુમાર ક્રિપાશંકર વિશ્વકર્મા નામના બે આરોપીઓને ઝડપી લીધા છે. જ્યારે નખત્રાણા ખાતે રહેતો નવલસિંહ જામસિંહ સોઢા પોલીસ ચોપડે ફરાર દર્શાવવામાં આવ્યો છે.
સમગ્ર મામલે માધાપર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવી કબજે કરાયેલો મુદ્દામાલ પોલીસને સોંપવામાં આવ્યો છે. હવે દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો, કોને પહોંચાડવાનો હતો અને આ ગેરકાયદેસર નેટવર્કમાં અન્ય કેટલા લોકો સંડોવાયેલા છે તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar