
મહેસાણા, 12 ઓગસ્ટ (હિ.સ.) : મહેસાણાના પ્રવાસન વિકાસને લઈને કેન્દ્ર સરકાર તરફથી હકારાત્મક પ્રતિસાદ મળ્યો છે. મહેસાણાના સાંસદ હરિભાઈ પટેલે લોકસભામાં ઉઠાવેલા સવાલના જવાબમાં કેન્દ્રીય પ્રવાસન મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતે જિલ્લામાં ઐતિહાસિક, ધાર્મિક અને કુદરતી પ્રવાસન સ્થળોના વિકાસ માટે ચાલી રહેલી કામગીરી તથા મંજૂર પ્રોજેક્ટ્સની વિગતો રજૂ કરી હતી.
મહેસાણાના પ્રવાસન વિકાસ માટે મોઢેરા સૂર્ય મંદિર, વડનગર, શર્મિષ્ઠા તળાવ, કીર્તિ તોરણ, થોળ પક્ષી અભયારણ્ય, તારંગા હિલ્સ અને ધરોઈ ડેમને એકીકૃત વિરાસત, તીર્થ અને ઈકો-ટુરિઝમ સર્કિટ તરીકે વિકસાવવાની સંભાવનાઓ પર ભાર મૂકાયો છે.
કેન્દ્ર સરકારની વિવિધ પ્રવાસન યોજનાઓ હેઠળ વડનગર-મોઢેરા વિકાસ માટે ₹91.12 કરોડ, વડનગરના શર્મિષ્ઠા તળાવ માટે ₹17.29 કરોડ અને મહેસાણા સહિતના પ્રવાસન સર્કિટ માટે ₹26.68 કરોડના પ્રોજેક્ટ્સ મંજૂર થયેલા હોવાનું જણાવાયું છે.
પ્રવાસન સ્થળોએ ઇન્ટરપ્રિટેશન સેન્ટર, વિઝિટર રિસેપ્શન સેન્ટર, હેરિટેજ સંરક્ષણ, એમ્ફીથિયેટર, ડિજિટલ સુવિધાઓ, લાઇટિંગ, CCTV તથા હસ્તકલા-હસ્તશિલ્પની દુકાનો જેવી સુવિધાઓ વિકસાવવાની કામગીરીનો સમાવેશ થાય છે.
સાંસદ હરિભાઈ પટેલે જણાવ્યું હતું કે પ્રવાસન વધવાથી સ્થાનિક વેપાર-ધંધા સાથે હોટેલ, પરિવહન, હસ્તકલા અને યુવાનો માટે રોજગારીની નવી તકો ઊભી થશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR