
- દારૂ સાથે ઝડપાયેલા આરોપીએ પોલીસ કર્મીનું નામ આપ્યું.
અમદાવાદ, 12 ઓગસ્ટ (હિ.સ.) : રાજ્યમાં પોલીસ સમાજમાંથી દારૂનું દૂષણ દૂરં કરવા માટે અગ્રતાને ધોરણે અમલવારી કરવી રહી છે ત્યારે રક્ષક જ ભક્ષક બની ગયો.
અમદાવાદના વસ્ત્રાપુર પોલીસે થલતેજ જીવનદીપ સર્કલ પાસેથી એક બિનવારસી ગાડીમાંથી 313 બોટલ દારૂ અને 102 બિયરના ટીન મળી કુલ રૂ.2.51 લાખનો મુદ્દામાલ કબ્જે કરી તપાસ કરી હતી. તપાસ દરમિયાન આ જથ્થો ચીરાગ ચૌધરી લાવ્યો હોવાનું સામે આવતા પોલીસે તેની પણ ધરપકડ કરી હતી.જોકે, આરોપીએ પોલીસ પૂછપરછમાં આ જથ્થો શહેર પોલીસના હાઇટેક પોલીસ કંટ્રોલરૂમમાં ફરજ બજાવતા પોલીસકર્મીએ મંગાવ્યો હોવાની કબૂલાત કરી હતી.
વસ્ત્રાપુર પોલીસને બાતમી મળી હતી કે, થલતેજમાં જીવનદિપ સર્કલ પાસે બિનવારસી ગાડીમાં દારૂનો જથ્થો પડ્યો છે. જેથી પોલીસે ત્યાં તપાસ કરતા એક આઇ-10 ગાડી મળી આવી હતી. ગાડીમાંથી 313 બોટલ દારૂ અને 102 બિયરના ટીન મળી કુલ 2.51 લાખનો મુદ્દામાલ મળી આવ્યો હતો. તપાસ દરમિયાન આ ગાડીનો માલિક અશોક પટેલ(ચૌધરી) હોવાનું સામે આવતા પોલીસે તપાસ શરૂ કરી હતી. આ જથ્થો ચિરાગ ચૌધરી રાજસ્થાનથી લાવ્યો હોવાનું સામે આવતા પોલીસે ચિરાગની ધરપકડ કરી હતી.
જેની પૂછપરછમાં તે આ જથ્થો પોલીસ કર્મી અશોક પટેલ (ચૌધરી) ના કહેવાથી તે લાવ્યો હતો. આરોપી ચિરાગ અમદાવાદથી પોલીસકર્મી અશોકની ગાડી લઇને રાજસ્થાન ગયો હતો અને ત્યાંથી દારૂ ભરી આવીને પોલીસ કોન્સ્ટેબલ અશોકના ઘર નજીક મૂકી દીધી હતી.
જેથી આ કેસમાં વસ્ત્રાપુર પોલીસે કંટ્રોલરૂમમાં ફરજ બજાવતા પોલીસ કર્મી અશોક પટેલ (ચૌધરી)ની પણ ધરપકડ કરી કેટલા સમયથી તે દારૂનું રેકેટ ચલાવતો હતો અને તેના ગ્રાહકો કોણ કોણ છે તે બાબતે તપાસ હાથ ધરી છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ