
ભાવનગર,12 ઓગસ્ટ (હિ.સ.) : ભાવનગર જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી તથા RSETI, ભાવનગરના સંયુક્ત ઉપક્રમે ઉદ્યોગ સાહસિકતા કાર્યક્રમ અંતર્ગત તળાજા તાલુકાના પીથલપુર ગામ ખાતે સખી મંડળની બહેનો માટે અથાણા, પાપડ અને વિવિધ મસાલા બનાવવાની તાલીમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.
આ તાલીમનો મુખ્ય ઉદ્દેશ સખી મંડળની બહેનોમાં ખાદ્યપ્રસંસ્કરણ ક્ષેત્રે જરૂરી કૌશલ્ય વિકસાવી તેમને રોજગાર તથા સ્વરોજગારની નવી તકો સાથે જોડવાનો છે. તાલીમ દરમિયાન અથાણા, પાપડ અને વિવિધ પ્રકારના મસાલા ગુણવત્તાયુક્ત રીતે તૈયાર કરવાની પદ્ધતિ અંગે પ્રાયોગિક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
ઉત્પાદનોની ગુણવત્તા જાળવવા ઉપરાંત પેકેજિંગ, ઉત્પાદનની કિંમત નક્કી કરવી, બજાર વ્યવસ્થા, ગ્રાહકો સુધી પહોંચ અને વ્યવસાયિક રીતે વેચાણ કરીને આવકમાં વધારો કરી શકાય તે અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ઘરેથી નાના પાયે ઉત્પાદન શરૂ કરી ધીમે ધીમે તેને વ્યવસાયમાં વિકસાવવા અંગેની માહિતી પણ આપવામાં આવી હતી.
આ પ્રકારની તાલીમથી સખી મંડળની બહેનો પોતાની કૌશલ્ય ક્ષમતાનો ઉપયોગ કરીને આવકનું સાધન ઊભું કરી શકે અને આત્મનિર્ભર બની શકે તે માટે પ્રોત્સાહન મળશે. સ્થાનિક સ્તરે તૈયાર થતા ઉત્પાદનોને બજાર મળી રહે અને મહિલાઓની આર્થિક પ્રવૃત્તિમાં ભાગીદારી વધે તે દિશામાં આ કાર્યક્રમ મહત્વપૂર્ણ બની રહેશે.
કાર્યક્રમમાં RSETIના ડાયરેક્ટર રવિ રંજન, RSETIના ઇશાનભાઈ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના NRLM વિભાગના ડિસ્ટ્રિક્ટ APM વૈશનવીબેન ભટ્ટ, તાલુકા પંચાયત કચેરીના NRLM વિભાગના TLM મૂળજીભાઈ બારૈયા, APM જીગ્નાબેન ખસીયા, ક્લસ્ટર કો-ઓર્ડિનેટર હેતલબેન, લીલાબેન સહિત સખી મંડળની બહેનો ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA