


પોરબંદર, 12 ઓગસ્ટ (હિ.સ.)પોરબંદર
મહાનગરપાલિકા સંચાલિત એમ.ઈ.એમ. સ્કૂલ દ્વારા ‘હર ઘર તિરંગા–2026’ અભિયાન અંતર્ગત વિદ્યાર્થીઓમાં
દેશભક્તિની ભાવના વધુ પ્રબળ બને અને રાષ્ટ્રધ્વજ પ્રત્યે ગૌરવની લાગણી વિકસે તે
હેતુથી વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. મેયર સાગરભાઈ મોદીની સૂચના
તથા મ્યુનિસિપલ કમિશનર ટી.સી. તીરથાણીના માર્ગદર્શન હેઠળ એમ.ઈ.એમ. સ્કૂલ ખાતે
ડ્રોઈંગ કોમ્પિટિશન તથા સ્ટીકર મેકિંગ કોમ્પિટિશન યોજવામાં આવી હતી. બંને
સ્પર્ધાઓમાં આશરે 80 જેટલા વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓએ પોતાની
સર્જનાત્મકતા અને કલાત્મક કૌશલ્ય દ્વારા તિરંગા, દેશભક્તિ તથા રાષ્ટ્રપ્રેમ આધારિત વિવિધ ચિત્રો અને સ્ટીકર્સ તૈયાર
કરી ‘હર ઘર તિરંગા’ અભિયાનને વધુ જીવંત બનાવ્યું હતું. સ્પર્ધાના અંતે પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમાંકે વિજેતા
બનેલા વિદ્યાર્થીઓને એમ.ઈ.એમ. સ્કૂલના આચાર્ય પ્રવીણભાઈ બોખીરીયા સહિતના સ્ટાફ
દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. ‘હર ઘર તિરંગા–2026’ અભિયાનની ઉજવણીના ભાગરૂપે એમ.ઈ.એમ.
સ્કૂલ ખાતે વક્તૃત્વ સ્પર્ધા તેમજ દેશભક્તિ ગીતો અને કાવ્ય ગાયન સ્પર્ધાનું પણ
આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધાઓ દ્વારા વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રપ્રેમ, દેશભક્તિ અને રાષ્ટ્રીય એકતાની ભાવનાને
વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ કરવામાં આવશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya