
અમદાવાદ, 12 ઓગસ્ટ (હિ.સ.) : હવે ફરી પાછી સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતની સ્ટેટ ટ્રાન્સપોર્ટની બસો ગીતામંદિર બસપોર્ટના ટર્મિનલ-2 થી ઉપડ્શે. અમદાવાદ ગીતામંદિર બસપોર્ટ પર હવે સૌરાષ્ટ્ર-કચ્છ અને અને ઉત્તર ગુજરાતના જિલ્લા માટે અલગ ટર્મિનલ-2 બનીને તૈયાર થઈ ગયું છે.
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે આજે લોકાર્પણ કરાશે. બસપોર્ટના ટર્મિનલ-2 પરથી મુસાફરો આરામદાયક મુસાફરી કરી શકે તે તમામ બાબતોનું ખાસ ધ્યાન રખાયું છે. 13 ઓગસ્ટથી નવું ટર્મિનલ કાર્યરત થશે, દરરોજ 1091 બસ અહીંથી ઉપડશે.
ગીતામંદિર બસપોર્ટ પર ગુજરાતભરના મુસાફરોની અવરજવર રહે છે. ત્યારે બસપોર્ટ પર ભીડ ઓછી થાય અને મુસાફરો આરામથી મુસાફરી કરી શકે તે માટે ટર્મિનલ-2 તૈયાર કરાયું. હવે દક્ષિણ ગુજરાત તરફ જવા માટે ટર્મિનલ-1 પરથી બસો મળશે. જ્યારે સૌરાષ્ટ્ર-કચ્છના જિલ્લાઓમાં જવા માટે ટર્મિનલ-2 પરથી બસો મળશે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ