ગાંધીનગરમાં મુખ્યમંત્રીના હસ્તે 4.71 લાખથી વધુ વિદ્યાર્થીઓને 646 કરોડની શિષ્યવૃત્તિનું વિતરણ
- દીકરીઓને વિજ્ઞાન પ્રવાહના અભ્યાસમાં આગળ વધવામાં નમો લક્ષ્મી-નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજનાનો મહત્વનો ફાળો - શિક્ષણ એ માત્ર રાષ્ટ્રના સર્વાંગીણ વિકાસના પાયાને મજબૂત નથી કરતું, પરંતુ તે વિકસિત ભારતની સાચી આધારશિલા : ડૉ. પ્રદ્યુમન વાજા ગાંધીનગર,
646 crore scholarships distributed to more than 4.71 lakh students by CM


- દીકરીઓને વિજ્ઞાન પ્રવાહના અભ્યાસમાં આગળ વધવામાં નમો લક્ષ્મી-નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજનાનો મહત્વનો ફાળો

- શિક્ષણ એ માત્ર રાષ્ટ્રના સર્વાંગીણ વિકાસના પાયાને મજબૂત નથી કરતું, પરંતુ તે વિકસિત ભારતની સાચી આધારશિલા : ડૉ. પ્રદ્યુમન વાજા

ગાંધીનગર, 12 ઓગસ્ટ (હિ.સ.) : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શિક્ષણનો મજબૂત પાયો નાખીને ગુજરાતના સંગીન વિકાસની બૂનિયાદ ઊભી કરી છે તેવો સ્પષ્ટ મત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વ્યક્ત કર્યો હતો. રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા નમો લક્ષ્મી અને નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજનાની સહાય વિતરણ તેમજ ઉચ્ચ શિક્ષણની અન્ય પ્રોત્સાહક સહાયનું વિતરણ કરતા મુખ્યમંત્રીએ આ મંતવ્ય વ્યક્ત કર્યું હતું.

ગાંધીનગરમાં સ્વર્ણિમ સંકુલ ખાતે યોજાયેલા આ સમારોહમાં મુખ્યમંત્રીના હસ્તે રાજ્યના 4,72,260 થી વધુ વિદ્યાર્થીઓને 646 કરોડથી વધુની આર્થિક સહાય DBTના માધ્યમથી તેમના ખાતામાં જમા કરવામાં આવી હતી.

આ સહાય વિતરણમાં ‘નમો લક્ષ્મી યોજના' અંતર્ગત ધોરણ 10 અને ધોરણ 12 બોર્ડની પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલ 4 લાખથી વધુ વિદ્યાર્થીનીઓને કુલ 513 કરોડથી વધુની રકમની ચુકવણી અને ‘નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના’ અંતર્ગત ધોરણ 12 બોર્ડ (વિજ્ઞાન પ્રવાહ)ની પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલ 57 હજારથી વધુ વિદ્યાર્થીઓને કુલ 28 કરોડથી વધુની રકમની ચુકવણી કરવામાં આવી હતી.

આ ઉપરાંત મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના, સ્કીમ ઓફ ડેવલપિંગ હાઇ ક્વોલીટી રિસર્ચ-શોધ, મુખ્યમંત્રી શિષ્યવૃત્તિ યોજના, મુખ્યમંત્રી કન્યા કેળવણી નિધિ યોજના સહિત વિવિધ શિષ્યવૃત્તિ યોજના અંતર્ગત 7260 વિદ્યાર્થીઓને 96 કરોડની સહાય અને 48 સંસ્થાઓને 9 કરોડની ગ્રાન્ટ એમ કુલ 105 કરોડની સહાયનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.

મુખ્યમંત્રીએ આ અવસરે કહ્યું કે, શિક્ષણ, સ્વાસ્થ્ય અને સુરક્ષા પર ધ્યાન કેન્દ્રિત કરીને રાજ્ય સરકારે વિદ્યાર્થીનીઓના શિક્ષણને પ્રોત્સાહન આપીને કન્યા કેળવણીનો વડાપ્રધાનશ્રીનો અભિગમ પાર પાડ્યો છે.

ખાસ કરીને દીકરીઓ વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતી થાય તે માટે નમો લક્ષ્મી અને નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજનાના ખૂબ સારા પરિણામો મળ્યા છે તેમ પણ તેમણે શિક્ષણ વિભાગના સરાહનીય પ્રયાસોને બિરદાવતા તેમણે ઉમેર્યું હતું.

મુખ્યમંત્રીએ જણાવ્યું કે, બાળકોમાં જે સમયાનુકુલ પરિવર્તન આવ્યું છે અને જિજ્ઞાસા વૃત્તિ વધી છે તેની સામે શિક્ષક સમુદાયે પણ એટલી જ સજ્જતા કેળવવી જરૂરી બની છે. આ માટે સરકાર તો પડખે ઊભી જ છે પરંતુ સમાજે પણ ખભે ખભા મિલાવીને શિક્ષકોની સાથે ઊભા રહેવું પડશે ત્યારે જ ઉત્તમ પરિણામો મેળવી શકાશે તેમ પણ તેમણે ઉમેર્યું હતું.

ભૂપેન્દ્ર પટેલે એમ પણ કહ્યું કે, રાજ્ય સરકારે શાળા શિક્ષણ અધવચ્ચે છોડી ગયેલા બાળકોને શોધી શોધીને શાળામાં પુન: પ્રવેશ કરાવવાનું અભિયાન ઉપાડ્યું છે. શિક્ષણ અને વિદ્યાર્થી બેયના સમન્વયથી રાજ્યમાં શિક્ષણ ક્ષેત્રે વધુ ને વધુ ઉચ્ચ સિદ્ધિઓ પ્રાપ્ત કરવાની પણ તેમણે પ્રેરણા આપી હતી.

શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાએ આ પ્રસંગે સ્વામી વિવેકાનંદને યાદ કરતાં કહ્યું હતું કે, 'શિક્ષણ એટલે મનુષ્યમાં રહેલી પૂર્ણતાનું પ્રગટીકરણ'.આ દિવ્ય વિચાર આત્મસાત કરી અને આજના સમયમાં હજારો-લાખો વિદ્યાર્થીઓના જે સપનાઓ છે એને પાંખો આપી અને એને ઉડાન આપવા માટેનું કામ ગુજરાત સરકાર કરી રહી છે. યોગાનુયોગ આજે આંતરરાષ્ટ્રીય યુવા દિવસ પણ છે ત્યારે યુવાઓને શિક્ષણ અને હક માટે મુખ્યમંત્રીના નેતૃત્વમાં રાજ્ય સરકાર કટિબદ્ધ છે. શિક્ષણ એ રાષ્ટ્રના સર્વાંગીણ વિકાસનો પાયો વધુ મજબૂત બનાવે છે એટલું જ નહીં પણ શિક્ષણએ વિકસિત ભારતની આધારશિલા છે.

ડૉ.વાજાએ કહ્યું હતું કે, વડાપ્રધાનએ 'વિકસિત ભારત 2047'નું જે સપનું જોયું છે તે સ્વપ્ન અને સંકલ્પને સાકાર કરવા માટે ગુજરાત સરકારે પણ શિક્ષણને વિકાસનું સૌથી શક્તિશાળી સાધન બનાવ્યું છે. મુખ્યમંત્રીના નેતૃત્વમાં રાજ્ય સરકારની શિક્ષણ ક્ષેત્રે અનેક સકારાત્મક યોજનાઓ, જોગવાઈઓ અને કામગીરીના પરિણામે હજારો-લાખો વિદ્યાર્થીઓના જીવનમાં આજે ગુણાત્મક પરિવર્તન આવી રહ્યું છે.

વડાપ્રધાનનો મંત્ર છે,બેટી બચાવો, બેટી પઢાવો અને તેની સાથે સાથે દીકરીને આપો જ્ઞાન, એ જ સાચું સન્માન છે, આ બંને મંત્રને ચરિતાર્થ કરનારી આ સરકારનો સ્પષ્ટ અભિગમ છે કે કોઈ દીકરી માત્ર આર્થિક કારણોસર અભ્યાસથી વંચિત ન રહે અને કોઈ પ્રતિભાશાળી વિદ્યાર્થી આર્થિક મર્યાદાને કારણે ભણવામાં પાછળ રહી ના જાય, તેની સરકાર સતત ચિંતા કરે છે તેમ, મંત્રીએ ઉમેર્યું હતું.

રાજ્યમંત્રી રિવાબા જાડેજાએ જણાવ્યું હતું કે, તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગુજરાતમાં વર્ષ 2003માં શરૂ થયેલા 'શાળા પ્રવેશોત્સવ' અને 'કન્યા કેળવણી' અભિયાનના પરિણામે આજે શિક્ષણ ક્ષેત્રે પાયાનું પરિવર્તન આવ્યું છે. એક સમયે જે શાળામાં એનરોલમેન્ટ રેટ અંદાજે 75 ટકા હતો તે આજે વધીને 99.99 ટકા સુધી પહોંચ્યો છે, જ્યારે ડ્રોપઆઉટ રેશિયો 37 ટકાથી ઘટીને માત્ર 1 ટકા જેટલો થઈ ગયો છે.

દરેક બાળક શાળામાં પ્રવેશ બાદ ટકી રહે, નિયમિત હાજરી આપે અને ગુણવત્તાયુક્ત શિક્ષણ મેળવે તે દિશામાં રાજ્ય સરકાર મક્કમતાથી આગળ વધી રહી છે.

કરોડો રૂપિયાની આર્થિક સહાય સીધી જ લાભાર્થીઓના બેંક ખાતામાં DBTના માધ્યમથી જમા કરીને સરકાર દીકરીઓના આત્મનિર્ભરતા અને ઉજ્જવળ ભવિષ્યના સ્વપ્નોને પાંખો આપી રહી છે. આ તમામ આંકડાઓ અને આર્થિક સહાય માત્ર એક સરકારી કાર્યક્રમ પૂરતી સીમિત નથી, પરંતુ 'વિકસિત ગુજરાતથી વિકસિત ભારત'ની દીર્ઘદ્રષ્ટિનો એક ભાગ છે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande