



અંબાજી, 19 ઓગસ્ટ (હિ.સ.)શક્તિપીઠ
અંબાજીને પ્લાસ્ટિક મુક્ત બનાવવા માટે મંદિર ટ્રસ્ટ દ્વારા અભિયાનને વધુ વેગ
આપવામાં આવ્યો છે. મંદિર ટ્રસ્ટના અધિક કલેક્ટર કૌશિક મોદી દ્વારા પ્લાસ્ટિકના
ઉપયોગ સામે કડક કાર્યવાહી કરવા આદેશ જારી કરવામાં આવ્યો છે.
આ આદેશના પગલે ટેમ્પલ ઇન્સ્પેક્ટર સહિત GISFના જવાનોની વિવિધ ટીમો દ્વારા
અંબાજીની દુકાનોમાં ઓચિંતી તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન વિવિધ
દુકાનોમાંથી મોટી માત્રામાં પ્લાસ્ટિકની થેલીઓ મળી આવતા તેને જપ્ત કરવામાં આવી
હતી. મળતી માહિતી મુજબ ૧૨૫ કિલોથી વધુ પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવ્યું છે, જ્યારે પ્લાસ્ટિકની થેલીઓનો જથ્થો એક
ટ્રેક્ટરની ટ્રોલી ભરાય તેટલો હોવાનું જાણવા મળ્યું છે.
મંદિર પરિસરમાં પ્લાસ્ટિકની થેલી લઈ જતા યાત્રિકોને પણ અટકાવી
પ્લાસ્ટિકની થેલીઓ ખાલી કરાવવામાં આવી હતી. મંદિરની અંદર પ્લાસ્ટિકની થેલી લઈ જવા
પર મનાઈ ફરમાવવામાં આવી છે.જપ્ત કરાયેલા પ્લાસ્ટિકના યોગ્ય નિકાલ માટેની પ્રક્રિયા
પણ હાથ ધરવામાં આવી છે. પર્યાવરણને નુકસાન ન થાય અને યાત્રાધામ અંબાજી સ્વચ્છ તથા
પ્લાસ્ટિક મુક્ત બને તે હેતુથી આ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.આગામી ભાદરવી
પૂનમનો મેળો પ્લાસ્ટિક મુક્ત થીમ સાથે યોજાય તે માટે તંત્ર દ્વારા અત્યારથી જ
કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. વેપારીઓને પ્લાસ્ટિકની થેલીઓનો ઉપયોગ કે સંગ્રહ ન
કરવા અપીલ કરવામાં આવી છે.અધિક કલેક્ટર દ્વારા વિવિધ ટીમોની રચના કરી અંબાજીમાં
સતત પ્લાસ્ટિક તપાસ હાથ ધરવામાં આવશે. જ્યાંથી પણ પ્લાસ્ટિકની થેલીઓ મળી આવશે ત્યાં
દંડનીય કાર્યવાહી કરવામાં આવશે, તેમ મંદિર ટ્રસ્ટ અંબાજીના અધિક કલેક્ટર કૌશિક મોદીએ જણાવ્યું
હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રભાઈ લધુરામ અગ્રવાલ