

પોરબંદર, 23 ઓગસ્ટ (હિ.સ.)પોરબંદર સર્કિટ હાઉસ ખાતે જિલ્લા કલેક્ટર એસ.ડી. ધાનાણીના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી. બેઠકમાં જિલ્લાના વિવિધ વિકાસલક્ષી કાર્યો, જાહેર સુવિધાઓ તથા વિવિધ વિભાગોની કામગીરીની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી.
બેઠકની શરૂઆતમાં નિવૃત્ત થનાર તેમજ નવા જોડાયેલા અધિકારીઓને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. કામકાજના સ્થળે મહિલાઓની જાતીય સતામણી અધિનિયમ-2013 અંતર્ગત 10 કે તેથી વધુ કર્મચારીઓ ધરાવતી તમામ કચેરીઓમાં આંતરિક ફરિયાદ સમિતિની રચના સુનિશ્ચિત કરવા અંગે જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.
ગત બેઠકમાં રાજ્યના કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયાના સૂચન મુજબ સરકારી કચેરીઓમાં સોલાર રૂફટોપની સ્થાપના તેમજ ‘કેચ ધ રેઇન’ અંતર્ગત વરસાદી પાણીના સંચય અને સંરક્ષણ માટે થયેલી કામગીરીની પ્રગતિની સમીક્ષા કરવામાં આવી હતી. વિવિધ સરકારી કચેરીઓ માટે જમીનની માંગણી અને ઉપલબ્ધતા અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.
બેઠકમાં નેસ વિસ્તારમાં વીજ કનેક્શન, જિલ્લામાંથી પસાર થતી પાણીની પાઇપલાઇનના રિપેરિંગ, શાળાના મકાનોનું સમારકામ અને નવા બાંધકામ, સ્વામિત્વ યોજના, ગેરકાયદે બાંધકામ, રોડ-રસ્તા તથા સ્ટ્રીટ લાઇટ સહિતના પદાધિકારીઓ દ્વારા રજૂ કરાયેલા પ્રશ્નોની સમીક્ષા કરી જરૂરી કાર્યવાહી કરવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
મંત્રી, સાંસદ અને ધારાસભ્યઓ દ્વારા ઉપસ્થિત કરાયેલા પ્રશ્નોનું પ્રાથમિકતાના ધોરણે નિરાકરણ થાય તે દિશામાં પણ ચર્ચા કરવામાં આવી હતી. ઉપરાંત આંતરિક સંકલનના પ્રશ્નો, એ.જી. ઓડિટના વાંધાઓનો નિકાલ, સરકારી લેણાંની વસૂલાત, આરટીઆઈ અરજીઓનો નિકાલ, રેકોર્ડ ચકાસણી, તુમાર સેન્સસની માહિતી તથા કર્મચારીઓના પેન્શન કેસોની સમીક્ષા સહિતના મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
બેઠકમાં મેયર સાગરભાઈ મોદી, જિલ્લા પંચાયત પ્રમુખ શીતલબેન ઓડેદરા, જિલ્લા વિકાસ અધિકારી બી.બી. ચૌધરી, જિલ્લા પોલીસ વડા બી.યુ. જાડેજા, નાયબ વન સંરક્ષક ચિરાગ ચાંદગુડે, તાલુકા પંચાયત પ્રમુખ પ્રતાપભાઈ કેશવાલા, નિવાસી અધિક કલેક્ટર એ.ડી. મિયાત્રા, પ્રાંત અધિકારી સંદીપ જાદવ, ઇન્ચાર્જ જિલ્લા પુરવઠા અધિકારી ભાવિન કથીરીયા, નાયબ મ્યુનિસિપલ કમિશનર હર્ષ પટેલ સહિત જિલ્લા સંકલન સમિતિના સભ્યો તથા વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya