
સુરત, 19 ઓગસ્ટ (હિ.સ.) : મહિલા અને બાળ અધિકારીની કચેરી, સુરત દ્વારા પીપલોદ સ્થિત VNSGU ખાતે 'POSH એક્ટ, 2013'-કાર્યસ્થળ પર મહિલાઓની જાતીય સતામણી સામે પ્રતિબંધ અને નિવારણ અંતર્ગત એક વિશેષ જાગૃતિ સેમિનાર યોજાયો હતો.
સેમિનારનો મુખ્ય હેતુ મહિલાઓ માટે સુરક્ષિત, સન્માનજનક અને જાતીય સતામણીમુક્ત કાર્યસ્થળ અંગે જાગૃતિ લાવવાનો હતો. કાર્યક્રમ દરમિયાન વિવિધ વક્તાઓએ POSH અધિનિયમ-2013 હેઠળ મહિલાઓના અધિકારો, કાર્યસ્થળે જાતીય સતામણી અટકાવવાના ઉપાયો, સમયસર ફરિયાદ નોંધાવવાનું મહત્વ તેમજ ફરિયાદોના ન્યાયસંગત નિવારણ માટે રચાતી આંતરિક ફરિયાદ સમિતિની ભૂમિકા અંગે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સાથે જ મહિલા અને બાળ વિકાસ વિભાગની વિવિધ યોજનાઓ તથા મહિલાઓના રક્ષણ માટે કાર્યરત વિવિધ કેન્દ્રોની માહિતી પણ આપવામાં આવી હતી. તેમજ આ પ્રસંગે કાર્યસ્થળ અંગે લોકજાગૃતિ વધારવા 'POSH એક્ટ 2013 જાગૃતિ સ્ટીકર્સ'નું પણ વિમોચન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે posh એક્ટના સ્થાનિક સમિતિ અધ્યક્ષ રિતુબેન રાઠી, મહિલા અને બાળ વિકાસ અધિકાર રાધિકાબેન ગામીત તથા POSH સુરત જિલ્લા ટીમ અને મોટી સંખ્યામાં VNSGUના પ્રોફેસર, કર્મચારીઓ હાજર રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે