
પાટણ, 19 ઓગસ્ટ (હિ.સ.) : પાટણ જિલ્લાના બાળ અને યુવા વિકાસ ચેરમેન હેમચંદજી ઠાકોરે રાધનપુર તાલુકાના કોલ્હાપુર, પ્રેમનગર, અલ્હાબાદ અને નવાપુરા સહિતના ગામોની આંગણવાડી કેન્દ્રોની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે બાળકોને સમયસર પોષણયુક્ત આહાર મળે છે કે નહીં તેમજ બાળકોની નિયમિત હાજરી અંગે માહિતી મેળવી હતી.
મુલાકાત દરમિયાન ચેરમેન ઠાકોરે આંગણવાડી કાર્યકરો સાથે બાળકોના પોષણ, સ્વાસ્થ્ય અને હાજરી અંગે ચર્ચા કરી હતી. સરકારી પોષણલક્ષી સેવાઓનો લાભ દરેક બાળક સુધી યોગ્ય રીતે પહોંચે અને બાળકોના સ્વાસ્થ્યનું પૂરતું ધ્યાન રાખવામાં આવે તે માટે તેમણે કાર્યકરોને જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપી હતી.
ચેરમેન હેમચંદજી ઠાકોરે જણાવ્યું હતું કે, બાળકો દેશનું ભવિષ્ય હોવાથી તેમના પોષણ અને આરોગ્ય સાથે કોઈ બાંધછોડ થવી જોઈએ નહીં. આંગણવાડી કેન્દ્રોની કામગીરીનું નિયમિત નિરીક્ષણ કરી બાળકોને જરૂરી સુવિધાઓ અને પોષણલક્ષી સેવાઓ મળી રહે તે માટે સતત પ્રયાસો કરવામાં આવશે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ