પ્રાચી તીર્થ ખાતે 125મો વિનામૂલ્યે મેગા નેત્ર નિદાન, હાડવૈદ તથા જનરલ ચેકઅપ કેમ્પ યોજાયો
- 200 દર્દીઓની નેત્ર તપાસ, 51 દર્દીઓને મોતિયાના ઓપરેશન માટે રાજકોટ ખસેડાયા - એમડી ડો. જયદીપભાઈ સાવલિયાએ 70 દર્દીઓની તપાસ કરી વિનામૂલ્યે દવાઓનું વિતરણ કર્યું ગીર સોમનાથ, 19 ઓગસ્ટ (હિ.સ.) - પ્રાચી તીર્થ ખાતે કોળી સમાજ ભવનમાં અખિલ વિશ્વ ગાયત્રી પરિવ
પ્રાચી તીર્થ ખાતે 125મો વિનામૂલ્યે મેગા નેત્ર નિદાન, હાડવૈદ તથા જનરલ ચેકઅપ કેમ્પ


- 200 દર્દીઓની નેત્ર તપાસ, 51 દર્દીઓને મોતિયાના ઓપરેશન માટે રાજકોટ ખસેડાયા

- એમડી ડો. જયદીપભાઈ સાવલિયાએ 70 દર્દીઓની તપાસ કરી વિનામૂલ્યે દવાઓનું વિતરણ કર્યું

ગીર સોમનાથ, 19 ઓગસ્ટ (હિ.સ.) - પ્રાચી તીર્થ ખાતે કોળી સમાજ ભવનમાં અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર, શાંતિકુંજ હરિદ્વારની પ્રેરણાથી તથા રંભુબેન ઉકાભાઈ ચુડાસમા સેવા સમિતિના ઉપક્રમે 125મો વિનામૂલ્યે મેગા નેત્ર નિદાન કેમ્પ, હાડવૈદ કેમ્પ તથા જનરલ ચેકઅપ કેમ્પ યોજાયો હતો. સેવાભાવી પ્રવૃત્તિના ભાગરૂપે યોજાયેલા આ કેમ્પનો મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો.

કેમ્પનો પ્રારંભ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિશેષ ઉપસ્થિતિ તરીકે મહંત કરસનદાસ બાપુ ઉપવાસી ઉપસ્થિત રહ્યા હતા. કેમ્પ દરમિયાન જરૂરિયાતમંદ દર્દીઓને નિષ્ણાત તબીબો દ્વારા તપાસ, માર્ગદર્શન અને સારવારની સુવિધા વિનામૂલ્યે આપવામાં આવી હતી.

મેગા નેત્ર નિદાન કેમ્પમાં રણછોડદાસ બાપુ આંખની હોસ્પિટલના ડો. અલ્કેશભાઈ દ્વારા કુલ 200 દર્દીઓની આંખોની તપાસ કરવામાં આવી હતી. તપાસ બાદ 51 દર્દીઓને મોતિયાના ઓપરેશન માટે રાજકોટ ખાતે લઈ જવામાં આવ્યા હતા. આ કામગીરીથી આર્થિક રીતે નબળા તથા જરૂરિયાતમંદ દર્દીઓને આંખની સારવાર માટે મોટી રાહત મળી હતી. જનરલ ચેકઅપ કેમ્પમાં એમડી ડો. જયદીપભાઈ સાવલિયાએ 70 દર્દીઓની તપાસ કરી હતી. દર્દીઓની તબીબી તપાસ કર્યા બાદ જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તેમજ દર્દીઓને વિનામૂલ્યે દવાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ ઉપરાંત હાડવૈદ હમીરભાઈ દ્વારા 30 દર્દીઓને સાંધા, હાથ-પગના દુખાવા સહિતની તકલીફો માટે પ્રખર માલિશ તેલથી મસાજની સેવા આપવામાં આવી હતી. એક જ સ્થળે નેત્ર તપાસ, જનરલ ચેકઅપ તથા હાડવૈદની સુવિધા ઉપલબ્ધ થતાં ગ્રામ્ય વિસ્તારના દર્દીઓએ કેમ્પનો લાભ લીધો હતો.

કેમ્પમાં દાતા ડો. પાલાભાઈ સોલંકી તથા તેમના પરિવાર દ્વારા દર્દીઓ, સેવાભાવી કાર્યકરો અને ઉપસ્થિત સૌ માટે ચા-પાણી તથા ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી હતી. સમગ્ર આયોજન દરમિયાન સેવાભાવ, માનવતા અને સામાજિક જવાબદારીની ભાવનાનો સુંદર પરિચય જોવા મળ્યો હતો.

આ પ્રસંગે કેમ્પના આયોજક જાદવભાઈ ચુડાસમાએ ઉદબોધન કરતાં જણાવ્યું હતું કે સમાજમાં સેવાકીય પ્રવૃત્તિઓ સતત ચાલતી રહે તે જરૂરી છે. તેમણે ભારતીય સંસ્કૃતિના સેવાભાવ અને માનવતાના વારસાને જાળવી રાખવા તથા જરૂરિયાતમંદ લોકોની સેવા માટે સૌને આગળ આવવા અપીલ કરી હતી.

કેમ્પને સફળ બનાવવા કાનાભાઈ સોલંકી, રાહુલભાઈ રાઠોડ, પપ્પુભાઈ, બોસન, નાથાભાઈ સોલંકી (થરેલી), વજુભાઈ ગોહિલ, નર્સિંગભાઈ વાઢેર (છગિયા), દરબાર રોહિતભાઈ (અમરાપુર), નારણભાઈ પાદરકા, સોનીબેન (ગોરખમઢી), શાંતાબેન, કુસુમબેન, પ્રજ્ઞાબેન, ગીતાબેન, પ્રતીક્ષાબેન, સાવિત્રીબેન (પ્રાચી), ગંગાબેન (પ્રાસલી) સહિત અનેક સેવાભાવી ભાઈ-બહેનોએ નોંધપાત્ર જહેમત ઉઠાવી હતી.

પ્રાચી તીર્થ ખાતે યોજાયેલો આ 125મો વિનામૂલ્યે આરોગ્ય સેવા કેમ્પ માત્ર તબીબી તપાસ પૂરતો સીમિત ન રહેતા જરૂરિયાતમંદ દર્દીઓને સારવાર, દવા, માર્ગદર્શન અને ઓપરેશનની સુવિધા સુધી પહોંચાડવાનો મહત્વપૂર્ણ પ્રયાસ સાબિત થયો હતો. સેવાભાવી કાર્યકરો અને દાતાઓના સહયોગથી યોજાયેલા આ કેમ્પને કારણે પ્રાચી તીર્થ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારના અનેક દર્દીઓને વિનામૂલ્યે આરોગ્ય સેવાનો લાભ મળ્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande