


પાટણ, 19 ઓગસ્ટ (હિ.સ.) : પાટણમાં પ્રજાપતિ સમાજના ઇષ્ટદેવ ભગવાન શ્રી પદ્મનાભજીની વાડી પરિસરમાં સ્વામી પરિવારના કુળદેવી શ્રી સમેળા માતાજીની જન્મજયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. બુધવાર, 19 ઓગસ્ટના રોજ યોજાયેલા આ પવિત્ર પર્વ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું હતું.
આ પ્રસંગે વનાગવાડા સ્થિત યજમાન પરિવારના નિવાસસ્થાનેથી શ્રી સમેળા માતાજીની પાલખી યાત્રા નીકળી હતી, જે શ્રી પદ્મનાભ વાડી પરિસરમાં આવેલા માતાજીના મંદિર ખાતે પહોંચી હતી. મંદિર પરિસરમાં માતાજીને છપ્પનભોગનો અન્નકૂટ અર્પણ કરવામાં આવ્યો હતો. સાથે હવન-યજ્ઞ સહિતના ધાર્મિક વિધિઓ યોજાઈ હતી.
જન્મજયંતિની ઉજવણીમાં સ્વામી પરિવાર સહિત મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા અને માતાજીના દર્શન તથા પ્રસાદનો લાભ લીધો હતો. આ ધાર્મિક પ્રસંગે રાજકીય અને સામાજિક આગેવાનો પણ હાજર રહી માતાજીના આશીર્વાદ મેળવ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ