
પાટણ, 19 ઓગસ્ટ (હિ.સ.)પાટણ શહેરમાં મેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયા જેવા મચ્છરજન્ય રોગોનો ફેલાવો અટકાવવા આરોગ્ય વિભાગ દ્વારા સઘન કામગીરી શરૂ કરવામાં આવી છે. શહેરની સોસાયટીઓ, ગલીઓ, પોળો, મહોલ્લા, શોપિંગ સેન્ટરો અને બાંધકામ સાઇટ્સ સહિતના વિસ્તારોમાં વેક્ટર કંટ્રોલ ટીમ દ્વારા તપાસ હાથ ધરાઈ રહી છે.
આરોગ્ય કર્મચારીઓ ઘરોમાં પાણી ભરેલા ઘડા, માટલા, ટાંકા અને પીપડાની તપાસ સાથે ખુલ્લામાં પડેલા ટાયર, બોટલો અને ભંગારમાં પાણી ભરાઈ મચ્છરના લાર્વા પેદા ન થાય તે માટે જરૂરી કાર્યવાહી કરી રહ્યા છે. લાર્વા મળી આવે ત્યાં નિયત માત્રામાં એબેટ દ્રાવણનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ કામગીરી ઓગસ્ટથી નવેમ્બર 2026ના અંત સુધી ચાલુ રહેશે.
20 ઓગસ્ટે વિશ્વ મચ્છર દિવસ નિમિત્તે પાટણ શહેર-તાલુકામાં આરોગ્ય કર્મચારીઓ અને આશા કાર્યકરો દ્વારા જનજાગૃતિ કાર્યક્રમો યોજાશે. હેલ્થ વિભાગે લોકોને પાણીના પાત્રો ઢાંકીને રાખવા, બિનજરૂરી ભંગારનો નિકાલ કરવા અને આસપાસ સ્વચ્છતા જાળવવા અપીલ કરી છે. જનભાગીદારીથી મચ્છરજન્ય રોગો પર નિયંત્રણ મેળવી શકાય છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ