



પોરબંદર, 19 ઓગસ્ટ (હિ.સ.)યુવા કાર્યક્રમ અને રમતગમત મંત્રાલય, ભારત સરકારના માર્ગદર્શન હેઠળ માય ભારત પોરબંદર દ્વારા બ્રહ્મ સમાજની વાડી, પોરબંદર ખાતે ત્રણ દિવસીય માય ભારત લીડરશિપ બૂટ કેમ્પનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું.
યુવાનોમાં નેતૃત્વ ક્ષમતા, વ્યક્તિત્વ વિકાસ, આત્મવિશ્વાસ, સંવાદ કૌશલ્ય, ટીમ ભાવના, સામાજિક જવાબદારી તથા રાષ્ટ્રનિર્માણની ભાવના વિકસાવવાના ઉદ્દેશ્ય સાથે આયોજિત આ બૂટ કેમ્પમાં પોરબંદર જિલ્લાના યુવાનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
બૂટ કેમ્પના પ્રથમ દિવસે ગણમાન્ય મહેમાનોની ઉપસ્થિતિમાં કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ત્રણ દિવસ દરમિયાન યુવાનો માટે યુવા નેતૃત્વ, નેતૃત્વ ક્ષમતા વિકાસ, વ્યક્તિત્વ વિકાસ, ટીમ વર્ક, અસરકારક સંવાદ, નિર્ણય લેવાની ક્ષમતા તથા સામાજિક જવાબદારી જેવા વિવિધ મહત્વપૂર્ણ વિષયો પર તાલીમ અને માર્ગદર્શન સત્રો યોજવામાં આવ્યા હતા.
આ પ્રસંગે માય ભારત પોરબંદરના ઉપનિદેશક નવીન ગુલિયા દ્વારા યુવાનોને MY Bharat Portal અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. યુવાનોને માય ભારત સાથે જોડાવા, પોર્ટલ પર નોંધણી કરાવવા તથા માય ભારત દ્વારા આયોજિત વિવિધ કાર્યક્રમો અને પ્રવૃત્તિઓમાં સક્રિયપણે ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
યુવાનોમાં લોકશાહી વ્યવસ્થા, સંસદીય પ્રક્રિયા અને નેતૃત્વની વ્યવહારુ સમજ વિકસાવવાના હેતુથી યુથ પાર્લામેન્ટનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. યુવાનોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ સંસદીય પ્રક્રિયા, ચર્ચા-વિચારણા, તર્કપૂર્ણ અભિવ્યક્તિ, સંવાદ અને નેતૃત્વ કૌશલ્યનો વ્યવહારુ અનુભવ મેળવ્યો હતો.
લીડરશિપ સેશન દરમિયાન જિલ્લા ભાજપ શહેર અધ્યક્ષ લક્કીરાજ વાળાની ગૌરવપૂર્ણ ઉપસ્થિતિ રહી હતી. તેમણે યુવાનો સાથે સંવાદ સાધી સમાજના વિકાસમાં યુવાનોની ભૂમિકા, સામાજિક કાર્યોમાં સક્રિય ભાગીદારી તથા જવાબદાર યુવા નેતા તરીકે કાર્ય કરવા અંગે પ્રેરણાદાયી માર્ગદર્શન આપ્યું હતું.
બૂટ કેમ્પ અંતર્ગત યુવાનોમાં સ્વચ્છતા, પર્યાવરણ સંરક્ષણ તથા સામાજિક જવાબદારીની ભાવના વિકસાવવાના હેતુથી પોરબંદર ચોપાટી બીચ ખાતે સ્વચ્છતા અભિયાનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. સહભાગી યુવાનોએ સક્રિયપણે શ્રમદાન કરી ચોપાટી પર સ્વચ્છતા કામગીરી હાથ ધરી હતી તથા સ્વચ્છતા અને પર્યાવરણ સંરક્ષણ અંગે જનજાગૃતિનો સંદેશ આપ્યો હતો.
લીડરશિપ બૂટ કેમ્પનો સમાપન સમારોહ યોજાયો હતો. સમાપન સમારોહમાં પોરબંદર મહાનગરપાલિકાના મેયર સાગરભાઈ મોદીની ગૌરવપૂર્ણ ઉપસ્થિતિ રહી હતી. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ યુવાનોને સમાજ અને રાષ્ટ્રના વિકાસમાં સક્રિય ભાગીદારી નિભાવવા તેમજ જવાબદાર અને જાગૃત નાગરિક તરીકે પોતાની ભૂમિકા ભજવવા પ્રેરિત કર્યા હતા.સમાપન પ્રસંગે તમામ સહભાગી યુવાનોને પ્રમાણપત્ર તથા માય ભારત કિટ એનાયત કરી તેમની સક્રિય ભાગીદારી બદલ પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
ત્રણ દિવસીય આ લીડરશિપ બૂટ કેમ્પ દ્વારા પોરબંદરના યુવાનોમાં નેતૃત્વ ક્ષમતા, આત્મવિશ્વાસ, ટીમ ભાવના, સામાજિક જવાબદારી, લોકશાહી મૂલ્યો અને રાષ્ટ્રનિર્માણ પ્રત્યેની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ યોગદાન મળ્યું હતું. સમગ્ર કાર્યક્રમ યુવાનો માટે જ્ઞાનવર્ધક, પ્રેરણાદાયી અને ઉપયોગી સાબિત થયો હતો.
કાર્યક્રમના સફળ આયોજન બદલ માય ભારત પોરબંદર દ્વારા તમામ ગણમાન્ય મહેમાનો, માર્ગદર્શકો, અધિકારીઓ, સ્વયંસેવકો તથા સહભાગી યુવાનોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya