
પાટણ, 19 ઓગસ્ટ (હિ.સ.)પાટણની ઉત્તર ગુજરાત યુવક મંડળ સંચાલિત બોમ્બે મેટલ પ્રાથમિક શાળાના બે વિદ્યાર્થીઓએ ખેલ મહાકુંભ અંતર્ગત યોજાયેલી જિલ્લા કક્ષાની જુડો સ્પર્ધામાં પ્રથમ સ્થાન મેળવી શાળાનું ગૌરવ વધાર્યું છે. ૧૯ ઓગસ્ટ, ૨૦૨૬ના રોજ સરદાર પટેલ રમત ગમત સંકુલ ખાતે યોજાયેલી સ્પર્ધામાં બંને ખેલાડીઓએ પોતાની વય અને વજન કેટેગરીમાં શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું.
અંડર-૪૦ કિલોગ્રામ કેટેગરીમાં રાવલ દેવ મહેશભાઈ અને અંડર-૫૦ કિલોગ્રામ કેટેગરીમાં શેખ મહમદ કેફ જાવેદભાઈએ પ્રથમ ક્રમ મેળવ્યો છે. બંને વિજેતા ખેલાડીઓ હવે રાજ્ય કક્ષાની જુડો સ્પર્ધામાં પાટણ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે.
વિદ્યાર્થીઓની સફળતા પાછળ સિનિયર શિક્ષિકા શીતલબેન, ધોરણ-૮ના શિક્ષિકા બીનાબેન પટેલ અને આચાર્ય અશોકભાઈ પટેલનું માર્ગદર્શન તથા તાલીમ મહત્વપૂર્ણ રહ્યા છે. આ સિદ્ધિ બદલ શાળાના શિક્ષકગણ અને વાલી મંડળે બંને ખેલાડીઓને અભિનંદન પાઠવી રાજ્ય કક્ષાએ પણ સફળતા મેળવે તેવી શુભેચ્છાઓ વ્યક્ત કરી હતી.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ