
પાટણ, 19 ઓગસ્ટ (હિ.સ.) : પાટણમાં જ્યોતિકાઝ કિચન દ્વારા ઇકો-ફ્રેન્ડલી ગણપતિની મૂર્તિઓ બનાવવાનો વિશેષ વર્કશોપ યોજાયો હતો. ગણેશજીની ભક્તિ સાથે પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપવાના હેતુથી યોજાયેલા આ કાર્યક્રમમાં બહેનો અને બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
વર્કશોપનું આયોજન સવારે ઉડાન વિદ્યાલય, બપોરે અપોલો નગર સોસાયટી તથા ભારત વિકાસ પરિષદની સિદ્ધહેમ શાખા ખાતે કરવામાં આવ્યું હતું. ઇન્સ્ટ્રક્ટર ચાંદનીબેન ગજ્જર અને ફાલ્ગુનીબેન દવેએ કાચી માટીમાંથી ગણપતિ દાદાની સુંદર મૂર્તિઓ બનાવવાની તાલીમ આપી હતી. બાળકોએ પોતાના હાથે મૂર્તિઓ બનાવી સર્જનાત્મકતા સાથે પર્યાવરણપ્રેમનો સંદેશ આપ્યો હતો.
રાસાયણિક રંગો અને પર્યાવરણને નુકસાન પહોંચાડતી મૂર્તિઓના વિકલ્પ તરીકે કુદરતી માટીના ગણપતિ સ્થાપિત કરવા માટે લોકોને પ્રેરિત કરવાનો આ પ્રયાસ હતો. સમગ્ર આયોજન જ્યોતિકાઝ કિચનનાં સંચાલક જ્યોતિકા જોષી દ્વારા કરવામાં આવ્યું હતું. “બાપ્પાની ભક્તિ પણ રહે અને પ્રકૃતિની સુરક્ષા પણ થાય”ના સંદેશ સાથે યોજાયેલો આ વર્કશોપ પાટણમાં પ્રેરણાદાયી પહેલ બન્યો છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ