
- ઉત્તર ગુજરાતના 9 જિલ્લાના 30 થી વધુ તાલુકાના 700 થી વધુ ગામોના 1300 થી વધુ તળાવો અને અંદાજીત 3 લાખ એકરથી વધુ ખેતીલાયક વિસ્તારને સિંચાઈનો લાભ મળશે.
ગાંધીનગર, 20 ઓગસ્ટ: (હિ.સ.) મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં પૂરક સિંચાઈ તથા પીવાના હેતુસર નર્મદા મુખ્ય નહેર આધારીત ઉદ્વવહન પાઈપલાઈનો મારફત ઉત્તર ગુજરાત વિસ્તારમાં નર્મદાનું પાણી ઓક્ટોબર-2026 સુધીના સમયગાળા માટે ફાળવવાનો કૃષિ મંત્રી જીતુ વાઘાણીના નેતૃત્વમાં ખેડૂતલક્ષી નિર્ણય લેવામાં આવ્યો છે.
આ નિર્ણયથી ઉત્તર ગુજરાત વિસ્તારના 9 જિલ્લાના 30 થી વધુ તાલુકાના 700 થી વધુ ગામોના 1300 થી વધુ તળાવો અને સુજલામ સુફલામ સ્પ્રેડીંગ નહેરમાં નર્મદાના પાણીની ફાળવણી થકી અંદાજીત 3 લાખ એકરથી વધુ ખેતીલાયક વિસ્તારને સિંચાઈનો લાભ થશે.
ઉત્તર ગુજરાત વિસ્તારમાં નર્મદાના પાણીની ફાળવણી બાબત
નર્મદા મુખ્ય નહેર આધારિત ઉદ્વવહન પાઇપલાઇનો મારફત ઉત્તર ગુજરાત વિસ્તારમાં સિંચાઈ અને પીવાના હેતુસર વર્ષમાં વિવિધ તબક્કે નર્મદાના પાણીની ફાળવણી કરવામાં આવે છે.
ઉત્તર ગુજરાતના ખેડૂતો દ્વારા ચોમાસાની ઋતુ દરમિયાન વરસાદ આધારીત બહોળા પ્રમાણમાં પાકનું વાવેતર થયેલ પરંતુ ચાલુ ચોમાસાની ઋતુ દરમિયાન વરસાદ ખેચાતા પૂરક સિંચાઈ અર્થે તળાવો તથા ચેકડેમો ભરવા નર્મદાના પાણીની ફાળવણી બાબત સરકારની વિચારણામાં હતી જેનો ખેડૂતોના હિતમાં નિર્ણય કરવામાં આવ્યો છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ