
ભાવનગર/અમદાવાદ, 20 ઓગસ્ટ (હિ.સ.) : 19 ઓગસ્ટની રાત્રે શહેરના ગાંધી કોલોની સામે ગિલ્બર્ટ એપાર્ટમેન્ટના બીજા માળેથી સોનગઢની સરકારી સ્કૂલના શિક્ષક હિતેશ પરમારની શંકાસ્પદ હાલતમાં લાશ મળી હતી. દારૂ બનાવવા માટે ખાસ ઉજ્જૈનથી નરેન્દ્રસિંહ યાદવ ઉર્ફે ડૉક્ટરને બોલાવાયો હતો. જેણે સારસ, ગણેશ અને અમન સાથે મળી ગૌતમ સોલંકીના ઘરે આ મિથેનોલયુક્ત દારૂ તૈયાર કર્યો હતો. ઝેરી દારૂ બનાવનાર નરેન્દ્રસિંહ યાદવે પણ પોતે બનાવેલા દારૂનું સેવન કર્યું હતું. બીજા જ દિવસે તબિયત લથડતાં તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાતા ત્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું હતું.
ઘરના રસોડામાં રોયલ સ્ટેગની અડધી ભરેલી બોટલ પણ પોલીસે જપ્ત કરી છે.મિથેનોલયુક્ત આ ઝેરી દારૂ બનાવનાર નરેન્દ્રસિંહ યાદવે પણ પોતે બનાવેલા દારૂનું સેવન કર્યું હતું. બીજા જ દિવસે તબિયત લથડતાં તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું હતું. આ રીતે લોકો માટે તૈયાર કરાયેલો ઝેરી દારૂ ખુદ બનાવનાર માટે પણ કાળ સાબિત થયો હતો.
ભાવનગર શહેર અને જિલ્લામાંથી નકલી ઇંગ્લિશ દારૂ પીવાથી તબિયત લથડી હોય તેવા અસરગ્રસ્ત દર્દીઓની સંખ્યામાં છેલ્લા ત્રણ દિવસમાં વધારો થયો છે. જેમાં ખાસ કરીને ભાવનગર સર ટી. હોસ્પિટલમાં અસરગ્રસ્ત દર્દીઓ વધી રહ્યા છે, ત્યારે સર ટી. હોસ્પિટલમાં સ્થાનિક કક્ષાએથી મુંબઈથી ફોમેપિઝોલ ઇન્જેક્શન મંગાવવાની તજવીજ હાથ ધરાઈ છે.
પ્રારંભિક તબક્કામાં 10 ઇન્જેક્શન મંગાવવા વહીવટી પ્રક્રિયા શરૂ કરાઈ હોવાનું સૂત્રોએ માહિતી આપતા જણાવ્યું હતું.
ભાવનગર સર ટી. હોસ્પિટલના ઇન્ચાર્જ મેડિકલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડૉ.કૈરવી દેસાઈએ જણાવ્યું કે, નકલી નશીલા પીણાના કારણે સર ટી. હોસ્પિટલમાં બે દિવસમાં અસરગ્રસ્તોની સંખ્યા વધી છે, જેને ધ્યાનમાં લઈ તબીબોની 4 ટીમો રાઉન્ડ ધ ક્લોક સારવારમાં તહેનાત છે. વધુમાં અસરગ્રસ્તોની સારવાર માટે અમદાવાદ આઈ.કે.ડી.આર.સી. હોસ્પિટલમાંથી કિડની અને લીવરના સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરને પણ બોલાવાયા છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ